માળિયા(મી.) પંથકમાં ગાયોની કતલ કરવાના બનાવને પગલે ગૌસેવકોમાં ભારે રોષ : કડક કાર્યવાહીની માંગ સાથે રેલી યોજી મામલતદારને આવેદન આપ્યુંમોરબી : માળિયા(મી.) પંથકમાં તાજેતરમાં 13 ગાયોની કતલ થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જેને પગલે ગૌ-સેવકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. વધુમાં ગૌ સેવકોએ માળિયા મામલતદારને આવેદન આપી જો કડક કાર્યવાહી નહિ થાય તો રસ્તા રોકો આંદોલન અને આત્મવિલોપન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે. ગૌ સેવકોએ આવેદનમાં જણાવ્યું હતું કે માળીયા મિયાણાના ચીખલી ગામે બનેલ તિરસ્કારી બનાવ મામલે ખાખરેચી ગામ સમસ્ત તેમજ તમામ ગૌ - પ્રેમીઓ નિષ્પક્ષ તેમજ દબાણમુક્ત યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરીએ છીએ. ચીખલીની નજીકમાં આવેલ વાઇલ્ડ લાઇફ અભ્યારણ અંદર વર્ષોથી ગેરકાયદેસર રીતે ગૌ - હત્યાઓ થઈ રહી હોવાના સમાચાર મળતા રહે છે. તેમજ અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઇ રહી છે. જે તદન બંધ થવી જોઈએ.સરકાર દ્વારા કહેવામાં આવે છે કે ગાય એ પ્રાણી નથી. પરંતુ સંસારનો પ્રાણ છે અને જે વ્યક્તિ ગાયની દયા નહિ ખાય સરકાર એની દયા નહિ ખાય. હિન્દુ રાષ્ટ્રનાં આન, બાન, શાન સમાન ગાય માતા આપણા દેશનું કૃષિ શાસ્ત્ર, અર્થ શાસ્ત્ર, વિજ્ઞાન શાસ્ત્ર અને આરોગ્ય શાસ્ત્ર છે. વર્તમાન સમયમાં ગુજરાતમાં પર્વતમાન કાયદો ' ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ - 2017 ' અનુસાર ગૌ હત્યા કરનાર વ્યક્તિ પર આજીવન કેદ તેમજ બિન-જામીનપાત્ર ગુનાની જોગવાઈ છે. આરોપીઓને કડકમાં કડકમા સજા થાય અને તમામ ગૌ - પ્રેમીઓને યોગ્ય ન્યાય મળે તેવી માંગ છે. નજીકના ભવિષ્યમાં જો યોગ્ય ન્યાય નહિં મળે તો રસ્તા રોકો આંદોલન તેમજ આત્મ - વિલોપન કરવામા આવશે. તેમ અંતમાં જણાવાયુ હતું.