ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મોરબી સબ જેલની મુલાકાત લઈ બંદીવાન ભાઈઓ બહેનો સાથે ચર્ચા કરી મોરબી : તમારામાંથી કેટલાય નિર્દોષ પણ હશો, કા તો ખોટી રીતે ફસાઈ ગયા હશો ! પણ એક ધ્યાન રાખજો અહીંથી બહાર નીકળ્યા બાદ 500 રૂપિયામાં કોઈ તમારો ઉપયોગ ન કરી જાય, તમારે તમારા પરિવાર, બાળકોનું પણ ધ્યાન રાખવાનું છે, હું આવી સ્થિતિમાંથી બહાર નીકળો છું માટે ધ્યાન રાખજો ! મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિલાલે મોરબી સબજેલની મુલાકાત લઈ બંદીવાન ભાઈઓ બહેનોને સોનેરી સલાહ આપી હતી. બિપરજોય વાવાઝોડા પગલે મોરબી જિલ્લાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા સબ જેલની મુલાકાત લેવામાં આવી હતી. આ તકે કાંતિલાલ અમૃતીયાએ ખાસ કરીને પુરુષ બંદીવાન ભાઈઓ સાથે ચર્ચા કરી હતી અને ગુન્હાહિત પ્રવૃત્તિથી દૂર રહેવા જણાવી કહ્યું હતું કે, કોઈ તમારો ઉપયોગ કરી જાય અને ઉપયોગ કરનારા બહાર જલસા કરે અને તમારે નાહકનું ભોગવવું પડે એવી ભૂલ ક્યારેય ન કરતા. ખાસ કરીને અહીંથી બહાર નીકળ્યા બાદ તમારા ઘર, પરિવારનું વિચારી સુખની જિંદગી વિતાવવા પણ તેઓએ સલાહ આપી હતી. આ તકે, ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ જેમાં જેલમાં રહેલા તમામ પુરુષ, મહિલા બંદીવાનઓને જેલમાંથી મળતા ખોરાક અંગે જાતે તપાસ કરી ખોરાક ચાખ્યો હતો, તેમજ રહેવાની સગવડ અને સલામતી, આરોગ્ય વિશેની જાણકારી લીધી હતી. સરકાર તરફથી મળતી સવલતો અને યોજના અંગે માહિતી પણ મેળવી હતી. આ તકે જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ, જેલર પી.એમ.ચાવડા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.