સામાજિક કાર્યકરો રખડતા ઢોરના ત્રાસના મુદ્દે તંત્ર સામે લડી લેવાના મૂડમાં મોરબી : મોરબીમાં પાલિકા તંત્રની ધોર બેદરકારીના કારણે રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. માર્ગો પર આખલા યુદ્ધ રોજિંદા બન્યા છે.અખલા યુદ્ધમાં અનેક લોકોના હાથ પગ ભાગી ગયા છે અને કેટલાક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આમ છતાં તંત્ર તમાશો જ જોતું હોવાથી લોકોમાં ભારે આક્રોશ છે.ત્યારે સામાજિક કાર્યકરો રખડતા ઢોરના ત્રાસના મુદ્દે તંત્ર સામે લડી લેવાના મૂડમાં હોય તેમ પાલિકાને રજુઆત કરી રખડતા ઢોરને ડબ્બે ન પુરાઈ તો કોર્ટના દ્વાર ખટખટાવાની ચીમકી આપી છે. મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઈ પંડ્યાએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે મોરબી શહેરને જાણે રખડતા ઢોરે બાનમાં લીધું હોય એમ શહેરનો એકપણ વિસ્તાર એવો બચ્યો નથી કે જ્યાં રખડતા ઢોરનો ત્રાસ ન હોય. શહેરના મુખ્ય વિસ્તાર નહેરુ ગેટ ચોક, ગ્રીન ચોક, ગેસ્ટ હાઉસ રોડ, શનાળા રોડ, રવાપર રોડ, વાવડી રોડ, પુલ ઉપર સહિતના અંદરના શેરી ગલીઓમાં પણ રખડતા ઢોરનો ઘણા સમયથી ત્રાસ છે.રખડતા ઢોરના ત્રાસથી સરકારી કચેરીઓ પણ બાકાત રહી નથી. જેમાં તાલુકા સેવા સદનમાં રખડતા ઢોરનો અંડીગો છે. રખડતા ઢોરના અંડીગો અને વારંવાર દંગલથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જાય છે અને અખલા યુદ્ધમાં ઢીકે ચડવાથી અનેક લોકોને ઇજા પહોંચી છે. કેટલાક લોકોએ તો જીવ પણ ગુમાવ્યા છે અને આખલા યુદ્ધથી ટ્રાફિક ખોરવાઈ ત્યારે 108 ઇમરજન્સી વાહનને નીકળવું મુશ્કેલ બને છે. નગરપાલિકા પાસે રખડતા ઢોરને પકડવાની સાધન સામગ્રી હોવા છતાં આ સમસ્યા હલ કરવામાં નિષ્ફળ ગઈ છે. લાંબા સમયથી રખડતા ઢોરની સમસ્યા હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરે છે. તેથી, આ રજુઆત બાદ પણ રઝળતા ઢોરનો ત્રાસ દૂર નહિ કરાય તો આ મામલે કોર્ટના દ્વાર ખટખટાવાની ચીમકી આપી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate