મોરબીના નળીયાના કારખાના, પેપરમીલ, લેમીસનેટસ તથા સિરામીકમાં વપરાતો લિગ્નાઇટ મોંઘા ભાવે પણ મળવો મુશ્કેલ, લિગ્નાઇટ પૂરતા પ્રમાણમાં ન મળે તો આંદોલનની ચીમકી આપતું મોરબી ચેમ્બર ઓફ કોમર્સ મોરબી : મોરબીના નળીયાના કારખાના, પેપરમીલ, લેમીસનેટસ તથા સિરામીકમાં વપરાતો લિગ્નાઇટ કોલસાનો ભાવ એક વર્ષમાં અઢી હજારથી વધી પાંચ હજારે પહોંચી ગયો છે. આ મોંઘા ભાવનો કોલસો પૂરતા પ્રમાણમાં સપ્લાય કરવામાં G.M.D.C મનમાની ચલાવતું હોવાથી કોલસો ન પૂરતા પ્રમાણમાં ન મળતા ઉધોગો બેહાલ થઈ ગયા છે. આથી ઉધોગોને પૂરતા પ્રમાણમાં આ કોલસો નહિ મળે તો આંદોલન કરવાનો મોરબી ચેમ્બર ઓફ કોમર્સએ લલકાર કર્યો છે. મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી કે, મોરબીમાં આવેલ નળીયાના કારખાના, પેપરમીલ, લેમીસનેટસ તથા સિરામીક સહિતના મધ્યમ અને નાના ઉદ્યોગને પુરતા પ્રમાણમાં લીગ્નાઇટ મળતો નથી આથી ફેકટરીમાં સ્ટેગરીંગ કરવું પડે છે. જેનાથી તેની સીધી અસર મજુરોની આવક ઉપર થાય છે. તેમજ એકાદ વર્ષ પૂર્વ લીગ્નાઇટ નો ભાવ રૂા. રપ૦૦ હતો જે હાલમાં ભાવ રૂા. ૫૦૦૦ ની આજુબાજુ થઇ ગયો છે. આથી ઉત્પાદીત વસ્તુની કિંમત માં વધારો થાય છે. G.M.D.C. તરફથી નકકી કરેલ ધોરણ પ્રમાણે લીગ્નાઈટ મળતો નથી. વધુમાં જણાવ્યું હતું કે લિગ્નાઇટ કોલસાનું સંચાલન કરતી G.M.D.C.માં મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે. અને દલાલો વધારે ભાવ લઇને જે તે ફેકટરીને લીગ્નાઇટ પુરો પાડે છે. આમ બજાર કિંમત કરતા વધારાના નાણા આપવામાં આવે તો લીગ્નાઇટ મોટા પ્રમાણમાં મળી શકે છે. આથી G.M.D.C. ની કાર્યપ્રણાલીમાં યોગ્ય ફેરફાર કરવામાં આવે અને વચોટીયાની હાજરી નાબુદ કરવામાં આવે તથા G.M.D.C. માં ચાલતા ભ્રષ્ટાચારની તટસ્થ, તાત્કાલીક અસરથી તપાશ કરવામાં આવે તેમજ મોરબીમાં આવેલ મધ્યમ તેમજ નાના ઉદ્યોગોને તેમની જરૂરીયાત પ્રમાણે લીગ્નાઇટ નો પુરવઠો મળતો રહે તેવી કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો ૧૫ દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો, ગાંધી ચિધ્યા માર્ગે ના છુટકે આંદોલન કરવાની ફરજ પડશે તેવી મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે ચીમકી આપી છે.