લાંબા અંતરની પેસેન્જર ટ્રેનો શરૂ કરવા અને ડેમુ ટ્રેન સેવા નિયમિત કરવા રમેશભાઈ રબારીએ રજૂઆત કરી મોરબી: મોરબીના નાગરિક રમેશભાઈ રબારીએ કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાને લેખિતમાં મોરબીની રેલવે સુવિધાઓની સમસ્યાઓ અંગે રજૂઆત કરી છે. રજૂઆતમાં, રમેશભાઈ રબારીએ મોરબીની જનતા સાથે થતા કથિત અન્યાય અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે અને કચ્છની જેમ મોરબીને પણ પૂરતી રેલવે સુવિધા પૂરી પાડવાની માગણી કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, કેન્દ્ર અને રાજ્યમાં શાસક પક્ષના હોવા છતાં અને મોરબીના ધારાસભ્યો પણ આ જ પક્ષના હોવા છતાં મોરબીના રેલવે પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. ઘણા વર્ષોથી મોરબીથી લાંબા અંતરની દૈનિક ટ્રેનોની માગણી થઈ રહી છે, પરંતુ તે પૂરી થઈ નથી. આ ઉપરાંત, મોરબી-વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેન પણ વારંવાર મેઇન્ટેનન્સના નામે બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડે છે.રજૂઆતમાં ભારપૂર્વક જણાવાયું છે કે, જો કચ્છમાંથી અનેક લાંબા અંતરની દૈનિક ટ્રેનો ચાલુ થઈ શકતી હોય, તો મોરબીને કેમ નહીં? ખાસ કરીને જ્યારે મોરબીના ટ્રેક પર દરરોજ અનેક માલગાડીઓ ચાલી રહી છે, જે ઉદ્યોગપતિઓના લાભ માટે છે. તેમજ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો માલગાડીઓ ચાલી શકતી હોય, તો મુસાફરો માટેની ટ્રેનો કેમ ન ચાલી શકે?રજૂઆતમાં એક ભૂતપૂર્વ ટ્રેનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે કચ્છ-રાજકોટ માટે ચાલુ કરવામાં આવી હતી. જોકે, તેનો સમય યોગ્ય ન હોવાથી પૂરતા મુસાફરો મળ્યા ન હતા અને ટ્રેન બંધ કરવી પડી હતી. રમેશભાઈએ કહ્યું કે તે સમયે સમય બદલવા માટે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તે ધ્યાને લેવામાં આવી ન હતી.અંતમાં જણાવ્યું કે મોરબીની જનતાએ પણ કચ્છની જેમ જ સાંસદને ભારે બહુમતીથી મત આપ્યા છે, તેથી મોરબીની રેલવે સમસ્યાઓને પણ એટલી જ પ્રાથમિકતા મળવી જોઈએ. તેમણે સાંસદને તાત્કાલિક આ બાબતે ધ્યાન આપીને લાંબા અંતરની પેસેન્જર ટ્રેનો શરૂ કરવા અને ડેમુ ટ્રેન સેવા નિયમિત કરવા માગ કરી છે.