મોરબીમાં કોંગ્રેસની 'જન આક્રોશ સભા' : પ્રદેશ પ્રભારી અને પ્રમુખે ઝૂલતા પુલ દુર્ઘટના, ખેતી અને સિરામિકના મુદ્દાઓ ઉઠાવી સરકાર ઉપર કર્યા આકરા પ્રહારોમોરબી: મોરબીના પંચાસર રોડ પર આજે કોંગ્રેસ દ્વારા 'જન આક્રોશ સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ખેડૂતોને લગતા મુદ્દાઓ, સિરામિક ઉદ્યોગની સમસ્યાઓ, અને મોંઘવારી સહિતના વિવિધ મુદ્દાઓ અંગે લોકોનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ કાર્યકરોને આવનારી ચૂંટણીઓમાં પ્રચંડ વિજય મેળવવા માટે કામે લાગી જવા હાકલ કરી હતી.મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને આવતીકાલે ત્રણ વર્ષ પૂરા થવાના છે. સભામાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 135 લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓએ આ દુર્ઘટનાને ભ્રષ્ટાચાર કમિશન રાજના કારણે થયેલી ગોઝારી ઘટના ગણાવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દુર્ઘટનામાં 135 માસૂમ લોકોના જીવ ગયા, જેના કારણે અનેક પરિવારોના સ્વજનો છીનવાઈ ગયા. દુર્ઘટના માટે જવાબદાર ભાજપના નગરપાલિકાના 52 કાઉન્સિલરો સામે આજ દિન સુધી એક પણ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે તેમણે માંગ કરી હતી કે માત્ર એક-બે લોકોને સજા થવાથી ન્યાય નહીં મળે, પણ તમામ જવાબદારોને કડકમાં કડક શિક્ષા થશે ત્યારે જ મૃતકોના સ્વજનોને શાંતિ મળશે. તેમણે ઉમેર્યું હતું કે જ્યારે દુર્ઘટના બની ત્યારે ભાજપના નેતાઓએ 'મગરના આંસુ' સાર્યા હતા અને 'ચમરબંધીને પણ નહીં છોડવાની' મોટી વાતો કરી હતી.વધુમાં તેમણે જણાવ્યું હતું કે મોરબીના સિરામિક ઉદ્યોગને ગુજરાતની એક ઓળખ ગણાવતા અને લાખોની સંખ્યામાં રોજગારનું સર્જન કરતા આ ઉદ્યોગની સમસ્યાઓ પર ધ્યાન દોરવું જરૂરી છે. કોંગ્રેસે ઉદ્યોગકારો વતી માંગણી કરી હતી કે ટાઇલ્સ પરનો GST 18%માંથી ઘટાડીને 5% કરવામાં આવે. નેતાએ જણાવ્યું હતું કે વીજળીના ઊંચા બિલ, મોંઘો ગેસ, ઈંધણ અને ઇનપુટ્સના કારણે ઉદ્યોગકારો મુશ્કેલીમાં છે. તેમણે રાજસ્થાનનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાં માર્બલ પર GST 5% થઈ શકે છે, જ્યારે ગુજરાતમાંથી વડાપ્રધાન હોવા છતાં સિરામિક ઉદ્યોગ માટે GST ઘટતો નથી. સભામાં ભ્રષ્ટાચાર, કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ, ખેડૂતોને થયેલું આર્થિક નુકસાન અને વહીવટ ખાડે જવાની બાબતોને લઈને લોકોનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.જન આક્રોશ સભામાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નોંધનીય છે કે આપ અને ભાજપના ઘણા સભ્યો કોંગ્રેસમાં જોડાયા હતા. આ સભામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, વિરોધ પક્ષ નેતા તુષાર ચૌધરી, લલિત કગથરા, મહમદ જાવીદ પીરજાદા, જીવણભાઈ કુંભરવાડિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા પ્રમુખ વિજય કોટડીયા, માળીયા કોંગ્રેસ પ્રમુખ સંદીપ કાલરીયા, મહિલા કોંગ્રેસ પ્રમુખ દમયંતિબેન નિરંજની, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સદસ્યો અને કાર્યકરો હાજર રહ્યા હતા.