મોરબીમાં અજાણ્યા શખ્સે ફોન કરી રેમડેસીવર ઇન્જેક્શનની માંગણી કરીને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીમાં રેમડેસીવર ઇંજેક્શનની અછતને લઈને હવે દર્દીઓના સગાઓ ડોક્ટરને ધમકી આપતા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબી સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ.ને એક અજાણ્યા શખ્સે ફોન કરી રેમડેસીવીર ઇંજેક્શન આપવાની માંગણી કરી હતી. પરંતુ સિવિલના આર.એમ.ઓ.એ નિયમ મુજબ આ ઇન્જેક્શનો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા અજાણ્યા શખ્સે મારા બાપુજીને કાઈ થયું તો તમારી ખેર નથી તેવું કહી ફોન ઉપર ધમકી આપી હતી. મોરબીની સિવિલ હોસ્પિટલમાં રેસિડન્સી મેડિકલ ઓફિસર (આર.એમ.ઓ.) તરીકે ફરજ બજાવતા ડો. કાંતિલાલ રામજીભાઈ સરડવાએ આજે એક મોબાઈલધારક સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગતરાત્રે નવેક વાગ્યાના સુમારે ડો. કે. આર. સરડવા સિવિલ હોસ્પિટલમાં પોતાની ફરજ ઉપર હતા તે સમયે અજાણ્યા શખ્સનો તેમને ફોન આવ્યો હતો. આ અજાણ્યા શખ્સે ડોક્ટરને ફોન કરીને કોરોનાની બીમારી માટે રેમડેસીવીર ઇન્જેક્શન આપવાની માંગણી કરી હતી. આથી, ડો. કે. આર.સરડવાએ સરકારના માર્ગદર્શન મુજબ કોઈપણ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં જે વ્યક્તિ સારવાર હેઠળ હોય તે વ્યક્તિના જરૂરી દસ્તાવેજ, આધાર-પુરાવા સાથે સંબધિત હોસ્પિટલના જવાબદાર કર્મચારીઓ જ આ ઇન્જેક્શન ફાળવી શકે એવું કહેતા આરોપીએ ઉશ્કેરાઈને ડોક્ટરને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી, આર.એમ.ઓ. ડોક્ટરે આ બનાવની ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આરોપી સામે જાનથી મારી નાખવાની ધમકી તેમજ ફરજમાં રુકાવટનો ગુન્હો નોંધી મોબાઈલ નંબરના આધારે અજાણ્યા ઇસમને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.