મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ખેડૂત પરિવર્તન પેનલનો જેતપર ગામે અભિવાદન સમારોહ યોજાયો : મનોજ પનારા અને લલિત કગથરાએ સભા ગજાવીમોરબી અપડેટ : મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત પરિવર્તન પેનલે ઐતિહાસિક જીત મેળવીને ભાજપ પ્રેરિત પેનલના 2 દાયકાના શાસનનો અંત આણ્યો છે. આ વિજય બાદ ખેડૂત પરિવર્તન પેનલનો જેતપર ગામે અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં મનોજ પનારા અને લલિત કગથરા સહિતના આગેવાનોએ સભા ગજાવી હતી. તેઓએ યાર્ડમાં તોડજોડનો પ્રયાસ થયો તો 10 હજાર ખેડૂતો ઘરે આવીને હલ્લાબોલ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. ખેડૂત પેનલના એક પણ સભ્ય વેચાશે નહીં: મનોજ પનારાખેડૂત નેતા મનોજ પનારાએ જણાવ્યું હતું કે, આ આંદોલન અને ચૂંટણીનું એપીસેન્ટર જેતપર ગામ હતું. જેતપરની સહકારી મંડળીઓએ એકસાથે મળીને શરૂઆત કરી અને ત્યારબાદ સાદુળકા સહિતના ગામોએ સમર્થન આપ્યું. પનારાએ સ્પષ્ટ કર્યું કે ખેડૂત પેનલના 9 માંથી એક પણ સભ્ય વેચાશે નહીં કે કોઈનાથી દબાશે નહીં. તેઓ 5 વર્ષ સુધી એકજૂથ રહીને ખેડૂતોના હિતમાં કામ કરશે. તેમણે મોરબી જિલ્લાના ભાજપના 4 થી 5 મુખ્ય નેતાઓ પર તોડજોડની રાજનીતિ કરવાનો આરોપ લગાવતા આકરી ચીમકી આપી હતી. તેમણે કહ્યું કે જો આ નેતાઓ સત્તાની લાલચ આપીને કોઈપણ સભ્યને ખરીદવાનો પ્રયાસ કરશે, તો 10000 ખેડૂતો તેમના ઘરે જઈને હલ્લાબોલ કરશે. વધુમાં તેમણે જણાવ્યું કે આવા નેતાઓનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવશે, તેમના ફોન રેકોર્ડિંગ વાયરલ કરાશે અને ખેડૂતો માત્ર વેચાનારના ઘરે જ નહીં, પણ ખરીદનાર નેતાઓના ઘરે પણ જશે.ખેડૂતોનો ડર દૂર થયો, દાયકાઓની સલ્તનતનો અંત છે: લલિત કગથરા લલિત કગથરાએ જણાવ્યું હતું કે માર્કેટિંગ યાર્ડમાં દાયકાઓથી એકહથ્થુ શાસન અને સલ્તનત ચાલતી હતી. અગાઉ ખેડૂતો અને મંડળીઓમાં ખાતર ન મળવાનો કે હેરાનગતિ થવાનો ડર હતો. સત્તાધીશોના દબાણને કારણે અગાઉ બે વખત તેમની પેનલ હારી હતી. પરંતુ આ વખતે જેતપર મંડળીના સભ્યોએ ડર્યા વિના ખુલ્લેઆમ વિડીયો બનાવીને ખેડૂત પરિવર્તન પાર્ટીને સમર્થન આપ્યું. તેમના આ પગલાંથી કુંભારિયા અને સાદુળકા જેવા અન્ય ગામડાઓના ખેડૂતોનો પણ ડર દૂર થયો અને બધા ખુલ્લા સમર્થનમાં આવ્યા. કગથરાએ આ પરિણામને ભાજપની ભયંકર હાર ગણાવી હતી અને સરકારને સીધી ચેતવણી આપતા કહ્યું હતું કે જો સરકાર ઉદ્યોગપતિઓનો સાથ છોડીને ખેડૂતોનો અવાજ નહીં સાંભળે તો ગુજરાતમાં 27 બેઠકો ગુમાવવાનો વારો આવી શકે છે.ચૂંટાયેલા સભ્યોને પૈસાથી ન વેચાવા અપીલ: સતીશકુમાર અઘારા અંતમાં જેતપર મંડળીના સતીશકુમાર પ્રફુલભાઈ અઘારાએ મોરબી, ટંકારા અને માળિયાની તમામ સહકારી મંડળીઓના સભ્યોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે આ જીતને ગુજરાતના 54 લાખ ખેડૂતોની જીત ગણાવી હતી. આ સાથે જ તેમણે એપીએમસીમાં ચૂંટાઈને ગયેલા તમામ પ્રતિનિધિઓને નમ્ર અપીલ કરી હતી કે તેઓ કોઈપણ ભોગે કે કોઈપણ લાલચમાં પૈસાથી વેચાય નહીં અને ખેડૂતોએ તેમના પર જે અતૂટ વિશ્વાસ મૂક્યો છે તેને જાળવી રાખે.#MorbiUpdate #MorbiAPMC #FarmersVictory #KhedutPanel #MorbiNews #GujaratFarmers #APMCElections #ManojPanara #LalitKagathara #AgricultureNews #MorbiMarketingYard