કબડ્ડી ચેમ્પિયનશીપમાં જુનિયર ગર્લ્સ ટીમ વિજેતા બનતા હવે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે મોરબી : ડાંગ જિલ્લામાં યોજાયેલ રાજ્યકક્ષાની કબડ્ડી ચેમ્પિયનશીપમાં મોરબીની જુનિયર ગર્લ્સ ટીમ વિજેતા બનતા હવે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ગુજરાત રાજય કબડ્ડી એસોશિએસન દ્વારા સબ જુનિયર ગર્લ્સ કબડ્ડી ચેમ્પિયનશિપનું આયોજન તા. 13-03-2021 ના રોજ ડાંગ જિલ્લાનાં સાકરપાતળ ખાતે યોજવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતની કુલ 24 જેટલી ગર્લ્સ ટીમે ભાગ લીઘેલ હતો. આ સ્પર્ધામાં મોરબી DLSS ની નવજીવન વિદ્યાલયની ગર્લ્સ ટીમે ઉત્સાહભેર ભાગ લઇને ઉત્કૃષ્ટ દેખાવ કરીને સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ સ્થાને વિજેતા થયેલ છે. તેમજ આગામી નેશનલ સ્પર્ધા માટે 4 બહેનો તેમજ 2 ભાઈઓ એમ કુલ 6 ખેલાડીઓનું ગુજરાત રાજયની ટીમમાં સિલેકશન થયેલ છે. ખેલાડીઓએ આ સાથે મોરબી જીલ્લા તેમજ નવજીવન વિદ્યાલયનું નામ રોશન કરેલ છે. આવી અભૂતપૂર્વ સિધ્ધી મેળવવા બદલ કબડ્ડી ટીમના કોચ વિજયભાઇ, શાળાના કેમ્પસ ડાયરેકટર ડી.બી. પાડલિયા, શાળાના આચાર્ય અતુલભાઇ પાડલીયા, બ્રિજેશભાઇ ઝાલરીયા તેમજ સમગ્ર નવજીવન વિદ્યાલય પરીવાર હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી હતી. તેમ યાદીમાં જણાવ્યું છે.