હળવદ જીઆઇડીસી નજીક રેલવે ફાટક પાસે બનેલી ઘટના, દારૂડિયો પાટા ઉપર સુઈ ગયો... હળવદ : ગુજરાતી ફિલ્મ મેરૂ માલણના ગીત જાગને મેરૂ જાગ....જેવી સ્થિતિ આજે હળવદ જીઆઇડીસી પાસે આવેલા ફાટક પાસે સર્જાઈ હતી, રેલવે ફાટક પાસે એક મેરૂ નામનો દારૂડિયો રેલવે પાટા ઉપર સુઈ ગયો હતો અને બરાબર આજ વેળાએ કચ્છ તરગથી ધસમસતી માલગાડી આવી ચડી હતી. જો કે, લોકો પાયલોટની સમય સુચકતાથી ટ્રેન થંભાવી દારૂડિયાને પાટા ઉપરથી દુર ખેસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરના સમયે જીઆઇડીસી નજીક આવેલ રેલવે ફાટક પાસે મેરુ નામનો એક દારૂડિયો રેલવે ટ્રેક પર નશામાં ધૂત થઈને સુઈ ગયો હતો. બરાબર આ જ સમયે કચ્છ તરફથી એક ગુડ્સ ટ્રેન અમદાવાદ તરફ ધસમસતી જઈ રહી હતી. જો કે, ગુડ્સ ટ્રેનના લોકો પાયલોટનું ધ્યાન રેલ્વે ટ્રેક પર જતા તેને તુંરત જ ટ્રેન થંભાવી દીધી હતી. બીજી તરફ રેલવે ટ્રેક પર નશામાં ધૂત બનીને સુતેલા આ મેરુ ને કોઈ સ્થળ સ્થિતિનું ભાન જ ન હતું. જેથી કરી લોકો પાયલોટે મહામહેનતે આ મેરૂને જગાડવાની સાથે રેલવે પોલીસને પણ જાણ કરી હતી. દરમિયાન રેલવે ટ્રેક ઉપર સુઈ ગયેલા મેરૂને જગાડવામાં અને રેલવે ટ્રેક ઉપરથી દૂર કરવામાં મેરૂને થોડી ઇજાઓ પણ પહોંચી હોય 108 મારફતે હળવદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.