અનેક વખત રજૂઆત કરાઈ હોવા છતાં સમસ્યાનો હલ ન આવતા આક્રોશ: 10 દિવસમાં પાણી નહીં મળે તો ગામમાં વિતરણ બંધ કરી જાહેર નોટિસ અપાશે માળિયા (મિયાણા) : મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) તાલુકાનું છેવાડાનું દરિયાકાંઠાનું બગસરા ગામ છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. તંત્રને વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે બગસરા ગ્રામ પંચાયતના સરપંચ ગૌરીબેન નાગજીભાઈ પીપળીયાએ ઉચ્ચ કક્ષાએ પત્ર લખીને રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી છે.શું છે મુખ્ય સમસ્યા ?બગસરા ગામની વસ્તી આશરે 2000ની છે અને પશુધન પણ 500 જેટલું છે. ગામને નાનાભેલા સંપથી પાઈપલાઈન દ્વારા નર્મદાનું પાણી આપવામાં આવે છે. પરંતુ ગામને દર ત્રીજા દિવસે માત્ર 40,000 લીટર પાણી મળે છે, જ્યારે વાસ્તવિક જરૂરિયાત 1,50,000 લીટરની છે. તેમજ નાનાભેલાથી ભાવપર સુધીની લાઈન વર્ષો જૂની અને જર્જરિત છે, જેના કારણે અવારનવાર લીકેજ અને ભંગાણ સર્જાય છે. અને લાઈનમાં અનેક 'ભૂતીયા' કનેક્શનો હોવાને કારણે પણ ગામ સુધી પૂરતું પાણી પહોંચતું નથી.સરપંચે આપી રાજીનામાની ચીમકીસરપંચ ગૌરીબેન પીપળીયાએ જણાવ્યું છે કે, પાણીની સમસ્યાને કારણે ગામની મહિલાઓ અવારનવાર તેમના ઘરે આવીને રોષ ઠાલવે છે. તંત્રને અગાઉ તા. 02/02/2024, 01/06/2024 અને 19/09/2024 ના રોજ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સ્થિતિ જેમની તેમ છે.સરપંચે પત્રમાં સ્પષ્ટ ચીમકી આપી છે કે, 'જો 10 દિવસમાં પૂરતા ફોર્સથી અને નિયમિત પાણી નહીં મળે તો ગામમાં વિતરણ બંધ કરી જાહેર નોટીસ મારવામાં આવશે. આ છતાં ઉકેલ નહીં આવે તો હું સરપંચ પદેથી રાજીનામું આપી દઈશ, જેની તમામ જવાબદારી તંત્રની રહેશે'.ગામલોકોની હાલાકીપાણી ન આવવાને કારણે ગામના 20 થી 25 પરિવારોએ સ્વખર્ચે બોર કરાવ્યા છે, પરંતુ દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી તેનું પાણી પીવાલાયક નથી. હાલમાં બગસરા ગામના લોકો તંત્ર સામે ભારે આક્રોશમાં જોવા મળી રહ્યા છે.