જિલ્લામાં ધો. 10 માં 47 અને ધો. 12 માં 20 વિદ્યાર્થીઓ હોશે હોશે આપે છે પરીક્ષામોરબી : કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી, અડગ મનનાં મુસાફરને હિમાલય પણ નડતો નથી કહેવતને મોરબી જિલ્લાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ ખરા અર્થમાં સાર્થક કરી રહ્યા છે. હાલમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં મોરબી જિલ્લામાં ધોરણ-10ના 47 અને ધોરણ - 12ના 20 વિદ્યાર્થીઓ આત્મ વિશ્વાસ અને જુસ્સાભેર હોશે હોશે કોઈપણ જાતના ડર વગર પરીક્ષા આપી રહ્યા છે.સામાન્ય સંજોગોમાં નોર્મલ વિદ્યાર્થીઓને પણ બોર્ડની પરીક્ષા આવતા જ એક્ઝામ ફોબિયા રૂપે મનમાં અનેક વિડંબણાનો સામનો કરતા હોય છે અને કેટલાક કિસ્સામાં તો બોર્ડની પરીક્ષાના ડરથી વિદ્યાર્થીઓ અજુગતું પગલું પણ ભરી લેતા હોય છે ત્યારે સામાન્ય વિદ્યાર્થીઓ માટે મોરબી જિલ્લાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ અનેક તકલીફો હોવા છતાં પણ વટભેર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી રાહ ચીંધી રહ્યા છે. મોરબી જિલ્લામાં સૌથી વધુ દિવ્યાંગ વિદ્યાર્થીઓ મોરબી કેન્દ્રમાં નોંધાયેલ છે અને શિક્ષણ વિભાગ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સ.વ.પ. કન્યા વિદ્યાલય ખાતે વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે._________________ક્યાં સેન્ટરમાં કેટલા દિવ્યાંગ વિદ્યાર્થી ?મોરબી - 18વાંકાનેર - 9ટંકારા -7હળવદ - 9પીપળીયા -2ચંદ્રપુર -1ચરાડવા -1_________________ચાલી ન શકતા રાજને ભણીને શિક્ષક બનવું છે મોરબીના નાની વાવડીમાં રહેતા અને ધો. 10 ની પરીક્ષા આપતા રાજ સવસેટા છેલ્લા 8 વર્ષથી ચાલી શકતો નથી કે બેસી શકતો નથી તેને તેડીને પરીક્ષા ખંડ સુધી લાવવો પડે છે. તેના માટે ક્લાસ રૂમમાં અલગ ખુરસીની વ્યવસ્થા કરવામાં આવું છે.રાજે જણાવ્યું હતું કે મારે પેપર સારા જાય છે. મારે સારા માર્ક લાવીને શિક્ષક બનવું છે. રાજના પિતાએ જણાવ્યું હતું કે રાજને શું તકલીફ છે એ ખબર જ નથી પડતી અત્યાર સુધીમાં રાજકોટ, અમદાવાદ, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર સહિતની જગ્યાએ ઈલાજ કરાવ્યા પરંતુ નોર્મલ જ આવે છે._________________ભણી ગણીને મારે પોલીસ બનવું છે : હિતેન પુજારા મોરબી શહેરમાં આવેલ રાજશ્રી વિદ્યાલયમાં અભ્યાસ કરતા મનોદિવ્યાંગ હિતેન મનોજભાઈ પુજારાને ભણી ગણીને પોલીસ બનવું છે. હિતેનના પિતા મનોજભાઈએ જણાવ્યું હતું કે હિતેન જયારે 3 વર્ષનો હતો ત્યારથી આંચકી ઉપડે છે અને મગજ અવિકસિત છે. હિતેન બીજી વખત બોર્ડની પરીક્ષા આપે છે પહેલી વખત બે માર્ક માટે રહી ગયો હતો._________________પિતાએ તરછોડી દીધેલા ક્રિશને બિઝનેસમેન બનવું છે મોરબીના બેલા રોડ ઉપર રહેતા મૂળ તરઘરીના વતની ક્રિશની યાદશક્તિ ખુબ જ સારી છે પરંતુ બોલવામાં તકલીફ છે, ક્રિશના નાના કહે છે કે, ક્રિશના જન્મ બાદ પિતાએ છૂટાછેડા લઈ લેતા હાલમાં ક્રિશ તેમના માતા સાથે નાનાજી પાસે રહીને જ મોટો થયો છે, ક્રિશ બોર્ડની પરીક્ષા વિષે કહે છેકે તેના પેપર ખુબ સારા જાય છે. સાથે જ ભણી ગણીને ક્રિશ બિઝનેશમેન બનવા માંગતો હોવાનું પણ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું._________________બોયઝ હાઈસ્કૂલમાં ભણતા અજિતને 50 ટકા માર્કની આશા મોરબીની બોયઝ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા આજિત નામના બાળકના માતા કહે છે કે, અજિતનો નોર્મલ બાળક જેવો વિકાસ નથી હાલમાં તેની ઉંમર 16 વર્ષની હોવા છતાં મગજ આઠ વર્ષના બાળક જેટલું જ છે. અજિતને બોલવામાં થોડી તકલીફ છે છતાં પણ બોર્ડની પરીક્ષામાં 50 ટકા માર્ક્સ લાવશે તેમ જણાવ્યું હતું._________________ગણિતમાં ટપ્પો નથી પડતો : શ્યામ સોરીયા મોરબીમાં રહેતા અને ધોરણ-10ની પરીક્ષા આપતા શ્યામ શનીભાઈ સોરિયાએ પરીક્ષા પત્યા બાદ ભાર નીકળી જણાવ્યું હતું કે, મને ગુજરાતી, હિન્દી જેવા વિષયો ગમે છે પરંતુ ગણિતમાં ટપ્પો નથી પડતો. ગણિત જેવા વિષય અઘરા લાગે છે, ગણિતનું પેપર અઘરું હોવાનું અને ચક્કર આવી જાય તેવું હોવાનું મજાકમાં જણાવી શ્યામે કહ્યું હતું કે, તે બે મહિનાનો હતો ત્યારે તાણ આંચકી આવી ગયા બાદ એક બાજુનું અંગ ખોટું પડી ગયું છે. જો કે,તકલીફ હોવા છતાં શ્યામ આત્મવિશ્વાસ સાથે ધોરણ-10ની પરીક્ષા આપી રહ્યો છે____________________________