ગુજરાતી સાહિત્યના અણમોલ ઘરેણાં સમાન કવિ ર.પા.ની જન્મજયંતીએ માણીએ તેમની રચનાઓ..મોરબી : આજે તા. 27 નવેમ્બર એટલે કે કવિ રમેશ પારેખની જન્મજયંતી છે. રમેશ પારેખ ગુજરાતી ભાષાના કવિ અને ગીતકાર હતા. તેઓ આધુનિક ગુજરાતી કવિતાના સૌથી વધુ લોકપ્રિય કવિ હતા. વ્યવસાયે સરકારી કર્મચારી હોવા છતાં તેમને સાહિત્ય અને સંગીતમાં ઊંડો રસ હતો. ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યોમાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમણે વાર્તાઓ અને ગુજરાતી બાળ સાહિત્યનું પણ સર્જન કર્યું હતું. સોનલ અને મીરાંબાઇને સંબોધીને લખાયેલી તેમની કવિતાઓ અને ગીતો સૌથી વધુ જાણીતા છે.રમેશ પારેખનું જીવનકવનરમેશ પારેખનો જન્મ 27 નવેમ્બર, 1940ના રોજ અમરેલી ખાતે કપોળ વણિક કુટુંબમાં મોહનલાલ અને નર્મદાબેનને ત્યાં થયો હતો. તેમણે પારેખ મહેતા વિદ્યાલય ખાતે અભ્યાસ કર્યો હતો. તેમની પ્રથમ વાર્તા પ્રેતની દુનિયા, ચાંદની સામાયિકમાં તેઓ જ્યારે શાળામાં હતા ત્યારે પ્રગટ થઇ હતી. ઇ.સ. 1958માં પ્રથમ વર્ગ સાથે તેમણે એસ.એસ.સી.ની પરીક્ષા ઉત્તીર્ણ કરી. તેમણે શિષ્યવૃત્તિ મેળવી હતી. તેમને ચિત્રકળામાં રસ હતો અને તેઓ સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટસમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હતા પરંતુ નાણાકીય ભીડને કારણે તેમ કરી ન શક્યા.ઇ.સ. 1960માં તેઓ અમરેલી જિલ્લા પંચાયત કચેરીમાં જોડાયા. ચિત્રકળા અને સંગીતનો શોખ તેમણે જાળવી રાખ્યો. ઇ.સ. 1962 સુધી તેમણે વાર્તાઓ લખવાનું ચાલુ રાખ્યું અને સંગીત ક્લબની સ્થાપના કરી. ઇ.સ. 1967માં તેમણે કવિતા લખવાની શરૂઆત કરી. ઇ.સ. 1968માં તેમની મુલાકાત અનિલ જોશી સાથે થઇ અને તેમણે વધુ કવિતાઓ લખવાની પ્રેરણા આપી. તેમની કવિતાઓ સાહિત્યના વિવિધ સામાયિકોમાં પ્રગટ થવાની શરૂઆત થઇ. ઇ.સ. 1988માં તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા અને સમગ્ર જીવન સાહિત્યિક કારકિર્દી પર કેન્દ્રિત કર્યું. ઇ.સ. 1997માં તેઓ અમરેલીથી રાજકોટ સ્થાયી થયા. તા. 17 મે, 2006ના રોજ રાજકોટ ખાતે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું.છ અક્ષરનું નામ - રમેશ પારેખની કવિતાઓગુજરાતી ભાષાને પોતાની કલમથી સમૃદ્ધ કરનાર, ગુજરાતી સાહિત્યના અણમોલ ઘરેણાં સમાન કવિ રમેશ પારેખની જન્મજયંતીએ તેમણે લખેલી મસ્ત મજાની કવિઓ માણીએ..1.સાંવરિયો રે મારો સાંવરિયો, હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !મને પૂછો કે ઘર મારું કેવડું, મારા વાલમજી બાથ ભરે એવડું2.જુઓ કે પથ્થરોમાં શિલ્પ કોતરાયું છે,તમે ગયા છો , તમારાથી ક્યાં જવાયું છે?3.આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીંઆ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીંઆ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓઆખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં4.આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.5.મન તો થાય છે કે હાર સ્વીકારી લઈએ,પણ મારી માંએ ખાધેલી સવા શેર સૂંઠનું શું?6.ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલકમ્મખે દોથો ભરીને કાંઈ ટાક્યાં ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ7.આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવેહાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે8.એક છોકરીના હાથથી રૂમાલ પડેએ લેવા આખુંય ગામ વળે નીચેજુવાન આંખ ફાડે, બુઢ્ઢાઓ આંખ મીચે.9.ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ,એક અમે પોતે ને બીજો તારો વટ!10.ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવુંહવે આંખોને કેમ રે ભુલાવવું11.અમે ન ચાંગળું ચપટીક માગી પીનારાહોય તો હાથમાં છલકાતી પ્યાલી હોઈ શકેરમેશ, હોય છે સાપેક્ષ સર્વ ઘટનાઓતમારી પીડા બીજાની ખુશાલી હોઈ શકે12.તારો વૈભવ રંગમોલ, સોનું ને ચાકરધાડુંમારે ફળિયે ચકલી બેસે તે – મારું રજવાડું13.સાત રંગના સરનામે ના તું આવી, ના હું આવ્યોના ઘર ઊઘડ્યાં સામે સામે, ના તું આવી, ના હું આવ્યો.14.થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ15.એક અનુભવ તને કહું, લે, સાંભળ સોનલ….એક વખત આ હું ને મારી આંખ ગયાં’તાં દરિયે,ત્યારે કોઈ પગલું પાડી ગયું હતું ઓસરીએ.ઘેર આવતાં ઘરના મોં પર નરી તાજગી ભાળી,અને અડપલું બીલી ઉઠ્યું : જડી ગયું, દે તાળી…16.અહીં રઝળતા કાગળો છોડીને શબ્દો ક્યાં ગયાં ?વાવને વગડે મૂકી ખાલી, કહો, જળ ક્યાં ગયાં ?17.ડાળીએથી એક ફૂલ ખરવાની ઘટના પણ, રમેશમૃત્યુના અહેસાસને પ્રસરાવી દે છે શ્વાસમાં18.આવેલું સમણું પણ અવસર થઈ જાય એવા દિવસોની વાત મને યાદ છે:એવા દિવસોની વાત તને યાદ છે?19.ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામમેં તો ઠાલાં દીધાં છે મારા બારણાંપાછલી તે રેણની નીંદરની કામળીઆઘી હળસેલતીક જાગુંદયણે બેસુંને ઓલી જમનાના વ્હેણનીઘુમ્મરીમાં બૂડતી લાગું20.જીવની સન્મુખ મેં સ્થાપી દીધોમેં તને સાષ્ટાંગ આલાપી દીધોમિત્રદક્ષિણામાં જમણા હાથનો-અંગૂઠો કાપી તને આપી દીધો.21.એક છોકરાએ સિટ્ટિનો હિંચકો બનાવી એક છોકરીને કીધું : ‘લે ઝૂલ’છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીનેસોનેરી ચોકલેટ કાઢી રેછોકરીની આંખમાંથી સસલીનાં ટોળાએફેંકી કૈં ચિઠીઓ અષાઢી રે22.શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત23.ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?, તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે, તો શા માટે તારું નામ ઝાડ છે?શા માટે તારી ને મારી વચ્ચાળ, આમ ડાળી ને ડાળખાંની આડ છે?24.મીરાં કે’ પ્રભુ અરજી થઈને ઊભાં છીએ લ્યો, વાંચો !પગથી માથાં લગી હાંસિયો પાડી લખિયા વાંક,આજુબાજુ લખી બળતરા, વચ્ચે લખિયો થાક25.જંગલ સમી મારી પીડા, સોનાંદે, કેડી સમું આ ટાણું,અરઘી રાતે દીવો કર્યો ને ઊગ્યું ઘરમાં વ્હાણું.26.સ્પર્શ દઈ પાણી વહી જતું હશે,ત્યારે આ પત્થરોને કંઇક તો થતું હશે!27.મીરાં કે પ્રભુ, અણસમજુનાં ક્યાં છે એવાં ગજાં ?કરી મને પાંપણથી ચપટી વગાડવાની સજાદરિયાએ પોતાના જળને એમ કહ્યું કે ‘ ઘટો ! ‘હરિએ દઈ દીધો હરિવટો…28.હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.29.તું આવે અને આવવાની એવી શરત હોયહું હોઉં નહિ મારા ઘરમાં તું જ ફક્ત હોય.30.એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ !