કાયમી અને હંગામી 92 કર્મચારીઓને ઓળખપત્ર વિતરણ કરાયુંમોરબી : નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બન્યા બાદ મોરબી કોર્પોરેશનમાં વહીવટી સુધારા શરૂ થયા છે જે અંતર્ગત મહાનગર પાલિકાના તમામ કર્મચારીઓ માટે આઈકાર્ડ ફરજીયાત કરવામાં આવ્યા છે. હાલમાં કાયમી અને હંગામી તમામ કર્મચારીઓને આઈકાર્ડ વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથેજ વર્ગ -4ના તમામ કર્મચારીઓને મહાનગર પાલિકાએ ગણવેશ આપી દીધા છે જેથી તમામ કર્મચારીઓને નોકરી દરમિયાન ફરજીયાત પહેરવા આદેશ કરવામાં આવ્યો છે.મોરબી મહાનગર પાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ તમામ કર્મચારીઓ માટે ફરજ દરમિયાન આઈકાર્ડ ધારણ કરવા આદેશ કર્યો છે. જે અન્વયે સફાઈ કર્મચારીથી લઈ વર્ગ-3 સુધીના તમામ 92 કર્મચારીઓ માટે ઓળખપત્ર બનાવી લેવામાં આવ્યા છે. વધુમાં હાલમાં મહાનગર પાલિકામાં 88 કાયમી કર્મચારીઓ છે. સાથે જ 60 જેટલા કરાર આધારિત તેમજ 10 એપ્રેન્ટિસ માટે પણ આઈકાર્ડ ફરજીયાત કરવામાં આવ્યા હોવાનું અને હાલમાં તમામ કર્મચારીઓને આઇકાર્ડનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.ઉલ્લેખનીય છે કે, આ અગાઉ મોરબી મહાનગર પાલિકામાં સફાઈ કામદાર કર્મચારીઓને કીટ, લારી સહિતના સાધનો આપવામાં આવ્યા હતા સાથે જ સ્ત્રી અને પુરુષ કર્મચારીઓને ડ્રેસ પણ આપવામાં આવ્યા હતા. એ જ રીતે મહાનગર પાલિકા કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-4ના તમામ કર્મચારીઓને પેન્ટ શર્ટ અને મહિલાઓ માટે ડ્રેસ કોડ મુજબ સાડી ફરજીયાત કરવામાં આવી હોય મહાનગર પાલિકામાં શિસ્ત સાથે ગણવેશ પહેરેલા કર્મચારીઓથી ઓફિસનું ક્લચર બદલાયું હોવાનું જણાઈ રહ્યું છે.