(જાગૃતિ તન્ના 'જાનકી') કેન્સર કે જેનું નામ સાંભળતા જ માણસનું મન કંપી ઉઠે, છતાં પણ કેન્સરના દર્દીઓ અને કેન્સરના કારણે મૃત્યુ પામતા લોકોનો આંકડા ધ્રુજાવી મૂકે એવા છે. માટે જ કેન્સરની આ ઘાતક બીમારી વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે અને સારવાર પછી કેન્સરથી મુક્ત થયેલ દર્દીઓ સમાજના બીજા વ્યક્તિઓને પ્રેરણાદાયી જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડી શકે એ હેતુથી દર વર્ષે 4 ફેબ્રુઆરીને વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ કેન્સર દિવસની સ્થાપના યુનિયન ફોર ઈન્ટરનેશનલ કેન્સર કન્ટ્રોલ દ્વારા કરવામાં આવી છે. વિશ્વ કેન્સર દિવસ સૌપ્રથમ જીનીવા, સ્વીટ્ઝરલેન્ડમાં ઉજવવામાં આવ્યો હતો. કેન્સર અનેક પ્રકારના હોય છે. કેન્સર થવાના મુખ્ય કારણોમાં તમાકુ - દારૂનું સેવન, ધુમ્રપાન, અનિયમિત અને અયોગ્ય આહાર, મેદસ્વિતા, વારસાગત, અમુક પ્રકારના ચેપનો સમાવેશ થાય છે. જેમાંથી વધુ પડતું કેન્સર તમાકુ - ધુમ્રપાન તેમજ દારૂથી થતું હોય છે. પણ વિચિત્ર વાત તો એ છે કે માણસો આ વાત જાણતા હોવા છતા પણ આંખ આડા કાન કરતા હોય છે. તમાકુ ને સિગારેટના પેકેટ પર ચોખ્ખું લખેલું હોય છે કે it's dangerous to health. પણ માણસો જાણી જોઈને પોતાનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકતા હોય છે. ઘણા માણસો કોઈના સમજાવવાથી છોડવાની કોશિશ કરતા હોય છે. છતાં છોડી શકતા નથી હોતા. કહેતા હોય છે કે આદત નથી છૂટી શકતી, પણ આદત તો માણસની ડિક્ષનરીમાં રહેલું એક બહાનું માત્ર છે, બાકી માણસ ધારે તે પકડી રાખવા કે છોડી શકવાને પાત્ર છે. બસ મનને થોડું મક્કમ રાખવું પડે. જાણવા છતાં કે ધુમ્રપાન અને તમાકુ ધીમું ઝેર છે અને એનું પરિણામ શું આવશે એ છતાં જો આપણે તે ન છોડી શકીએ તો ઈશ્વરે આપેલ સમજદારી પર પ્રશ્નાર્થ ગણાય! એક પ્રકારની જાણી જોઈને કરેલી આત્મહત્યા જ કહી શકાય! આ પ્રકારના માણસો માત્ર પોતાનું જ નહીં પણ પોતાના પરિવારનું જીવન આર્થિક દ્રષ્ટિએ, સલામતીની દ્રષ્ટિએ જોખમમાં મૂકી દેતા હોય છે. માણસો પહેલા જાણી જોઈને બીમારીને નોતરે ને પછી એ જ બીમારીને ભગાડવા માટે એનાથી પણ વધુ પૈસા ખર્ચે કેવી વિચિત્રતા કહેવાય! માણસ જો મનથી ધારે તો શું ન કરી શકે? જે પૈસા જાણી જોઈને આવી બીમારીને નોતરવા માટે ખર્ચાતા હોય છે એને બીજા કોઈ હેતુ માટે વાપરીને માણસ પોતાના જીવન સ્તરને ઊંચું લાવી શકે છે. કેન્સર જેવા રોગોને જાણી જોઈને આમંત્રણ જ શા માટે આપીએ જેથી કરીને તેને દૂર કરવાના ઉપાયો કરવા પડે! ઈશ્વરે આપણને આપેલું આ શરીર અમૂલ્ય છે, પણ મફતમાં મળે છે, એટલે કદાચ આપણે કદર નથી કરતા હોતા અને આપણા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી દાખવતા હોઈએ છીએ. સમતોલ આહાર અને નિયમિત કસરત દ્વારા આપણે આપણા શરીરને કેન્સર તેમજ અન્ય રોગોનું ઘર બનતા અટકાવી શકીએ છીએ. આ તો વાત થઈ આપણા કેનસરને આમંત્રણ આપવાની પણ આ સિવાય પણ જે કારણસર કેન્સર થાય છે તેનો આપણા પર અંકુશ નથી હોતો, પણ કેન્સરની યોગ્ય સમયે જાણ થવા છતા માણસો ડરી જતા હોય છે અને સ્વાભાવિક છે ડર લાગવો પણ આ મનનો ડર જે કેન્સરને દૂર કરવાની જે સારવાર હોય છે, તેને ઓછી અસરકારક બનાવે છે કેમ કે, જો તમે મનથી સ્વસ્થ છો, તો તમે તનથી સ્વસ્થ રહી શકો છો. પેલું કહેવાય છે ને કે 'ડર કે આગે જીત હૈ'. વર્ષ 2019થી 2021 સુધી ત્રણ વર્ષ માટે કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા અને કેન્સરના દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવાના હેતુથી ' I AM and I WILL' ની થીમની રચના કરવામાં આવેલી છે. તો ચાલો આજે વિશ્વ કેન્સર દિવસ પર એક સંકલ્પ કરીએ પોતાના માટે નહીં તો પોતાનાઓ માટે જિંદગીને વ્યસનમુક્ત બનાવવાનો અને કેન્સરની સંભવિતતાને જિંદગીમાંથી કેન્સલ કરવાનો. સૌ સાથે મળીને 'I AM and I WILL' ના સૂત્રને સાર્થક બનાવીને વિશ્વ કેન્સર દિવસની ઉજવણીને તો સાર્થક બનાવીએ જ પણ સાથે સાથે આપણી જિંદગીને પણ સાર્થક બનાવીએ. - જાગૃતિ તન્ના 'જાનકી'