મકાન વેચી નાખ્યા બાદ વેચેલા મકાનના પૈસાની ભાગબટાઈ મામલે પતિએ પત્નીની હત્યા કર્યાનું ખુલ્યું મોરબી : મોરબીના મકનસર ગામે આવેલ પ્રેમજીનગરમાં મકાન વેચી નાખ્યા બાદ વેચેલા મકાનના પૈસાની ભાગબટાઈ મામલે દંપતી વચ્ચે થયેલા ઝગડાનો કરુણ અંત આવ્યો હતો. જેમાં મકાનના પૈસા માંગવા બાબતે ઝઘડો થયા બાદ ઉશ્કેરાયેલા પતિએ પત્નીને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવની મૃતકના પુત્રની ફરિયાદના આધારે પોલીસે હત્યારા પતિ સામે હત્યાનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મકનસર ગામે આવેલ પ્રેમજીનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા રામજીભાઈ ચકુંભાઈ રણવાએ તેની પત્ની ગંગાબેન રામજીભાઈ રાણવાને ગઈકાલે છરીના ઘા ઝીકીને તેણીની કરપીણ હત્યા કરી નાખી હતી. આ બનાવની જાણ થતાં થતા તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી આ બનાવની તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે મૃતક ગંગાબેનના પુત્ર જીતેન્દ્રભાઈ રામજીભાઈ રાણવાએ તેના પિતા રામજીભાઈ રાણવા સામે પોતાની માતાની હત્યા કર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ પોતાનું મકાન વેચી નાખ્યું હતું. આ વેચેલા મકાનના આવેલા પૈસાની લેતી દેતી મામલે બન્ને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.જેમાં ઉશ્કેરાયેલા પતિએ રામજીભાઈ રાણવાએ તેમની પત્ની ગંગાબેનને છરીનો ઘ ઝીકી દેતા તેણીનું મોત થયું હતું. હાલ આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી હત્યારા પતિને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.