પોલીસે હુમલાખોર પતિ સામે ખૂની હુમલાનો ગૃન્હો નોંધી તપાસ હાથ ધરી મોરબી : મોરબીમાં પત્નીના પરપુરુષ સાથે આડાસબંધને કારણે પતિની કમાન છટકી હતી. જેમાં કોધિત થયેલા પતિએ પોતાની પત્ની અને પ્રેમી ઉપર ધારીયા વડે ખૂની હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘાયલ થયેલા બન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી હુમલાખોર પતિ સામે ખૂની હુમલાનો ગુન્હો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા વિજયભાઇ કાન્તીલાલ કોટક (ઉ.વ.૫૮) એ આરોપી ઇકબાલ મકરાણી (રહે.રાજકોટ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીને આરોપીની પત્ની નસીમબેન સાથે પ્રેમ સબંધ હોય અને આરોપીની પત્ની નસીમબેન અવારનવાર ફરિયાદીના ઘરે આવતી હોય, જે બાબતની આરોપીને જાણ થતા આરોપીને સારૂ નહિ લાગતા તેનો ખાર રાખી આરોપી તા. 4ના રોજ લોખંડના ધારીયા સાથે ફરિયાદીના રહેણાક મકાને ગયો હતો. ત્યારે આરોપીએ ફરિયાદીને જેમફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીને મારી નાખવાના ઇરાદે પેટના ભાગે ધારીયાનો ઘા મારી તેમજ શરીરે આડેધડ ધારીયાના ઘા મારી મરણતોલ ઇજા કરી તેમજ સાહેદ નસીમબેન વચ્ચે પડતા તેઓને પણ આરોપીએ ધારીયાના ઘા મારી ઇજા કરી હતી. આ બનાવની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે આરોપી સામે ઇ.પી.કો.કલમ-૩૦૭, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), તથા જી.પી.એકટ-કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ એ ડિવિઝન પીઆઇ બી.પી.સોનારા ચાલવી રહ્યા છે.