મોરબી : ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ''તાઉતે'' સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે રાત્રે 09:30 કલાકે તે દીવથી પૂર્વે 25 કિ.મી. દૂર સ્થિત હતું. ''તાઉતે'' વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 16 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડાનો આઉટર ક્લાઉડ (બાહ્યાવર્તી ભારે વરસાદી વાદળા) સૌરાષ્ટ્ર ક્ષેત્ર ઉપર ઝળુંબી રહ્યા છે. આ વાવાઝોડાનું કેન્દ્ર આગામી બે કલાકમાં દીવના પૂર્વેથી સૌરાષ્ટ્રમાં ગમે તે સમયે ઓળંગી જાય તેવી શક્યતાઓ છે. આ સમયે વાવાઝોડાના કેન્દ્રીય વિસ્તારોમાં પવનની ગતિ 160 થી 170 કિ.મી. પ્રતિ કલાક રહી શકે છે, જે 190કિ.મી/કલાક સુધી વધી શકે છે.