હાઇવે ઉપર ગતિમર્યાદાના એક પણ સાઈન બોર્ડ નથી છતાં સ્પીડો મીટર સાથે રાજકોટ પોલીસ દ્વારા દરરોજ ફટકારાતા આકરા દંડ મોરબી : રાજ્યના કોઈપણ હાઇવે ઉપર આજની આધુનિક ફોર વ્હીલ કાર પળવારમાં જ 100થી 120ની ગતિ પકડી લે છે અને મોટાભાગના વાહનચાલકો 80થી 100ની સ્પીડે પોતાના વાહનો ચલાવી રહ્યા છે ત્યારે રાજકોટ-મોરબી વચ્ચેના હાઇવે ઉપર સ્પીડગન સાથે તૈનાત રાજકોટ પોલીસ દ્વારા દરરોજ ઝુંબેશરૂપે સો એ સો ની સ્પીડે ચાલતા અનેક વાહનોને આકરા દંડ ફટકારવામાં આવી રહ્યા છે. જો કે, આશ્ચર્ય તો એ વાતનું છે કે, મોરબી-રાજકોટ હાઇવે ઉપર એકપણ જગ્યાએ ગતિમર્યાદાને લગતા સાઈન બોર્ડ લગાવાયા નથી ત્યારે રાજકોટ પોલીસની કાર્યવાહીથી વાહનચાલકોમાં કચવાટ ફેલાયો છે. સામાન્ય રીતે કોઈપણ હાઇવે ઉપર ચોક્કસ સ્થળે કેટલી ગતિમર્યાદામાં વાહન ચલાવવું તેની સૂચના આપતા સાઈનબોર્ડ લગાવવામાં આવે છે પરંતુ પંચવર્ષીય યોજના અન્વયે બનેલા રાજકોટ-મોરબી હાઇવે ઉપર આવા બોર્ડ લગાવવાનું કોન્ટ્રાકટર અને માર્ગ અને મકાન વિભાગ ભૂલી ગયું છે અને તેની સજા નિર્દોષ વાહન ચાલકો ભોગવી રહ્યા છે. મોરબી - રાજકોટ ફોરલેન હાઇવે હાલમાં લીસો હોય મોટાભાગના વાહનચાલક પ્રતિકલાક 80ની સ્પીડે કે તેથી વધુ વાહન ચલાવતા રાજકોટ પોલીસના હાથે આકરા દંડથી દંડાઈ રહ્યા છે. રાજકોટ - મોરબી હાઇવે ઉપર દરરોજ સાંજના સમયે છતર અને રતનપર વચ્ચે અલગ-અલગ સ્થળે રાજકોટ પોલીસ સ્પીડ ગન સાથે તૈનાત થઇ જાય છે અને અન્ય વાહનમાં સ્પીડગન ફિટ કરેલી હોય વાહનચાલકોને પોતે સ્પીડગનના રડારમાં આવી ગયાની જાણ પણ થતી નથી અને આગળ જતા પોલીસ કાફલો આવા વાહનચાલક પાસથી આકરો દંડ વસુલ કરે છે, જેથી મોરબીથી રાજકોટ તરફ જતા વાહનચાલકોએ ખાસ સાવધાની રાખી ગતિ મર્યાદાનો ભંગ ન થાય તે રીતે વાહન ચલાવવા આકરા દંડનો ભોગ બનેલા લોકો જણાવી રહ્યા છે.