મહેન્દ્રનગર - ઘુંટુ નજીક કાલીન્દ્રી નદીમાં માછલીઓના ટપોટપ મોત મામલે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને મત્સ્યોદ્યોગ દ્વારા સંયુક્ત તપાસ : પાણીના સેમ્પલ લેવાયા મોરબી : મોરબીના મહેન્દ્રનગર-ઘુંટુ રોડ ઉપર ખોડિયાર માતાજીના મંદિર નજીક માછલીઓના ટપોટપ મૃત્યુ મામલે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને મત્સ્યોદ્યોગ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરી પાણીના નમૂના લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે, ખાસ કરીને તાપમાનમાં વધારાની સાથે હાલમાં ચૈત્ર મહિનામાં લોકો પુણ્ય કમાવા માછલાને વધુ પડતો ખોરાક ખવડાવતા હોવાની સાથે પાણીમાં ઓક્સીજનનું પ્રમાણ ઘટતા માછલીના મૃત્યુ થયા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. મહેન્દ્રનગર - ઘુંટુ રોડ ઉપર ખોડિયાર માતાજીના મંદિર નજીક નીકળતી કાલીન્દ્રી નદીમાં છેલ્લા ત્રણ દિવસથી માછલાંના ટપોટપ મોત મામલે ગઈકાલે મોરબી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના અધિકારી કે.બી.વાઘેલાએ કચેરીની ટીમને મત્સ્યોદ્યોગ વિભાગની ટીમને સાથે તપાસ કરાવતા બન્ને વિભાગોની સંયુક્ત તપાસમાં તાપમાન વધારો, નદીમાં સાબુ તેમજ ગંદકી વાળું ગટરનું પાણી ભળતું હોવાથી પાણીમાં ડીઝોલ ઓક્સીજનનું પ્રમાણ ઘટવાથી માછલીઓના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું હતું. વધુમાં મત્સ્ય વિભાગના અધિકારી કોટડીયાએ જણાવ્યું હતું કે, મંદિરની નજીકમાં જ આવેલા સ્થળે માછલીઓના મૃત્યુ થયાનું સામે આવ્યું છે અહીં હાલમાં ચૈત્ર માસ હોય લોકો પુણ્ય કમાવવા માટે માછલીઓને લોટ તેમજ તૈયાર તીખા તળેલા ખોરાક નાખતા હોવાથી પણ માછલીઓ વધુ પડતો ખોરાક ખાવાથી તેમજ આ વધારાનો ખોરાક પાણીમાં ભળી જવાથી ખોરાક સડતા આ ઘટના ઘટી શકે તેવી શંકા વ્યક્ત કરી હતી. જો કે, હાલમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી દ્વારા પાણીમાં પીએસ ટેસ્ટ કરી સેમ્પલ લઇ રાજકોટ લેબમાં મોકલ્યા છે અને લેબોરેટરીના પૃથકરણ રિપોર્ટ બાદ જ સાચું કારણ જાણવા મળે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.