મંજૂરી વગર કંપનીએ ખેતર તહેસ નહેશ કરી નાખ્યાના આક્ષેપ સાથે ખેડૂતો પોલીસ મથકે દોડી ગયા : પોલીસે અરજી લઈ સ્થળ તપાસ કર્યા બાદ પગલાં લેવાનું કહ્યુંમોરબી : મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન વીજ કંપનીએ પોલના કામ માટે એક ખેતરમાં રસ્તો કરી નાખ્યો હોય, આ રસ્તો મંજૂરી વગર કર્યો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત ખેડૂતોએ પોલીસ મથકે દોડી જઇ ફરિયાદ નોંધવાની માંગ પણ ઉઠાવી હતી. મોરબીના જેતપર ગામે છેલ્લા ઘણા દિવસોથી વીજલાઈનના વળતર મુદ્દે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. આજથી ખેડૂતોએ આમરણાંત ઉપવાસ પણ ચાલુ કર્યા છે. ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે હાલ તો ગાંધી માર્ગે ચાલી રહ્યા છીએ પણ જરૂર પડ્યે સરદારનો માર્ગ પણ અપનાવામાં આવશે. આ ઉપવાસ આંદોલન દરમિયાન વીજ કંપનીએ પોલના કામ માટે એક ખેતરમાં રસ્તો કરી નાખ્યો હોય, ખેડૂતો ત્યાં દોડી ગયા હતા.ખેડૂતોના જણાવ્યા અનુસાર કંપનીએ પોલની મંજૂરી લીધી હશે પણ આવી રીતે ખેતર તહેસ નહેશ કરીને રસ્તો કાઢવાની મંજૂરી લીધી નથી. ખેડૂતોએ કંપનીના અધિકારીઓનો આ વેળાએ ઉધડો પણ લીધો હતો. આ ઉપરાંત ખેડૂતો પોલીસ મથકે દોડી ગયા હતા. જ્યાં કંપની સામે ફરિયાદ નોંધવાની માંગ કરી હતી. ખેડૂતોના જણાવ્યા અનુસાર પોલીસે અરજી લીધી છે. ત્યારબાદ એવું કહ્યું છે કે સ્થળ તપાસ માટે તેઓ આવશે અને જરૂરી પગલાં લેશે.