પાલિકા દ્વારા આવાસ યોજનાના મકાનોનો ડ્રો યોજાયો મકાન હોવા છતાં આવાસ યોજનાનો લાભ લેનાર સામે કાર્યવાહી થશે મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા અગાઉ મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાત મંદોને રાહતદરે ઘરનું ઘર બનાવી દેવા માટે આ યોજના અમલમાં મુકવામાં આવી હતી. જેમાં મૃખ્યમંત્રી આવાસ યોજના હેઠળ પાલિકા દ્વારા 1008 મકાનો બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ હતું અને સમયાંતરે મકાનો બની ગયા બાદ મકાનોનો ડ્રો કરીને લાભાર્થીઓને આવાસોની સોંપણી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ડ્રો વર્ષ 2016 માં લીલાપર રોડ ઉપર, બીજો 608 મકાનોનો ડ્રો આજે કરવામાં આવ્યો હતો. આ મકાનો માટે કુલ 643 ફોર્મ ભરાયા હતા. મુખ્યમંત્રી આવાસ યોજના માટે અગાઉ 2015-16 માં ફોર્મ ભર્યા હતા. એમાંથી બાકી રહી જનાર લાભાર્થીઓને આજના ડ્રોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે આજના ડ્રોમાં કુલ 643 માંથી 608 લાભાર્થીઓને આવાસો ફાળવામાં આવ્યા છે. આ ઉપરાંત અમુક.લાભાર્થીઓને પોતાનું ઘરનું ઘર હોવા છતાં આ આવાસ યોજનાનો લાભ લીધો.હોય તેવાના મકાનો રદ કરવામાં આવશે તેવું પાલિકા તંત્રએ જણાવ્યું હતું. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, સુરેશભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો અને પાલિકાના કાઉન્સિલરોની હાજરીમાં ડ્રો યોજાયો હતો. પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ચાર વર્ષથી આવાસો તૈયાર થઈ ગયા હોય છતાં ગતટર્મમાં કોંગ્રેસે ડ્રો કર્યો જ ન હતો અને ભાજપની બોડી આવતા ટૂંક સમયમાં આ કાર્યવાહી થઈ છે. લાભાર્થીઓ જો પોતાને બદલે બીજાને મકાન ભાડે આપશે તો તેમની સામે કાર્યવાહી થશે.આગામી દિવસોમાં બીજા 920 મકાનો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો બન્ને સરખી ક્વોલિટીના છે.કોઈપણ રીતે ભ્રષ્ટાચાર થયો નથી. આમ છતાં આ મામલે કોઇ પડકારશે તો અમે પુરાવા સાથે ભ્રષ્ટાચાર ન થયાનું સાબિત કરીશું.ઘણા બધા લાભાર્થીઓ મકાન મળ્યું હોવા છતાં રહેવા નથી ગયા તેમની સામે યોગ્ય કાર્યવાહી થશે.જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે,એકપણ જરૂરિયાત મંદ વ્યક્તિ મકાન વગર ન રહે તેવા પ્રયાસો કરશે અને પાલિકાના ભજપના બાવને બાવન કાઉન્સિલરો પારદર્શક વહીવટ કરીને સામાન્ય નાગરિકોના પ્રશ્નો ઉકેકવા નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરશે.હાલ ગટર સહિતના પ્રશ્નોને ઉકેલીને મોરબી ફરી પેરિસ બને તેવી નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી આવાસ યોજનામાંના લાભાર્થીઓની યાદી ટાઉનહોલમાં મુકાશે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બાકી રહી જનાર બે લાભાર્થીઓને આજના ડ્રોમાં મકાનની ચાવી અર્પણ કરવામાં આવી હતી. આજે મુખ્યમંત્રી આવાસ યોજનામાં આજે 608 લાભાર્થીઓને મકાનો ફાળવવામાં આવ્યા છે. જેમાં લાભાર્થીઓને પોતાને મકાન લાગ્યું કે નહીં તે જાણવા માટે પાલિકાના ટાઉનહોલ ખાતે બધા વાંચી શકે એ રીતે લાભાર્થીનોની યાદીનું લિસ્ટ મુકવામાં આવશે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.