મોરબી અપડેટ ઈમ્પૅક્ટ : ચાર મહિનાથી સીધું વીજ જોડાણ લઈ એસી ઘમઘમાવું કોન્ટ્રાક્ટરને વસમું પડ્યું મોરબી : વીજ બચત સપ્તાહની ઉજવણી સમયે જ મોરબીમાં સીટી બસ કોન્ટ્રાકટર દ્વારા છેલ્લા ચારેક માસથી ખુલ્લે આમ વીજ ચોરી કરવા મામલે મોરબી અપડેટમાં અહેવાલ પ્રસિદ્ધ થતા જ આજે વીજતંત્રએ સીટી બસ કોન્ટ્રાકટરની ઘરની ધોરાજી બંધ કરાવી ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી નાખ્યું છે. મોરબીના ગાંધીચોકમાં પાલિકાના પાર્કિંગનો કબ્જો લઈ કન્ટેનરમાં સીટી બસની ઓફિસ શરૂ કરી કોન્ટ્રાકટર દ્વારા થાંભલેથી ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન મેળવી ખુલ્લેઆમ વીજચોરી કરવામાં આવતી હોવાનો અહેવાલ ગઈકાલે મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થતા જ મોરબી પીજીવીસીએલ તંત્ર હરકતમાં આવ્યું છે અને આજે સવારે પીજીવીસીએલની ટીમે ગાંધીચોકમાં દોડી જઈ ગેરકાયદેસર વીજ કનેક્શન કટ્ટ કરી નાખી દંડ ફટકારવા કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, સીટી બસના કોન્ટ્રાકટર દ્વારા અહીં સીટી બસનો ડેપો શરૂ કરી પાલિકા કે અન્ય કોઈ જવાબદાર વહીવટી તંત્રની મંજૂરી વગર એક કન્ટેનરમાં એર કંડીશનર સહિતની સુવિધાઓ સાથે અહીં ડાયરેક્ટ વીજ કનેક્શન મેળવી છેલ્લા ચારેક માસથી ખુલ્લે આમ વીજચોરી શરૂ કરી હતી જે બાદ મોરબી અપડેટ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરી વીજતંત્ર સમક્ષ સવાલો ઉઠાવતા અંતે આજે આ ગેરકાયદેસર કનેક્શન કટ્ટ કરી ઘરની ધોરાજી બંધ કરાવી હતી.