મોરબી : મોરબીના રાજપર ગામે રહેતા યુવક અને નાના ખીજડિયા ગામની યુવતીના ઘડિયા લગ્ન લેવાયા હતા. બન્ને પરિવારો વચ્ચે ઘડિયા લગ્ન માટે સહમતી સધાતા આ પ્રસંગ શક્ય બન્યો હતો. જેનાથી સમાજમાં અન્ય પરિવારોને પ્રેરણા મળી હતી. મોરબી જિલ્લામાં પાછલા વર્ષોથી ઘડિયા લગ્ન લેવાનો રિવાજ વેગ પકડી રહ્યો છે. યુવક-યુવતીની સગાઈના પ્રસંગે જ નજીકના સગા-સ્નેહીઓની ઉપસ્થિતિમાં ઘડિયા લગ્ન લેવામાં આવે છે. આ રીત-રિવાજ આમ તો નવો, પણ સાંપ્રત સમયોચિત વ્યવસ્થાનો એક ભાગ છે, જેને ખાસ કરીને પાટીદાર સમાજે હોંશે હોંશે વધાવી લીધો છે. રાજપર ગામ નિવાસી હંસાબેન તથા રમેશભાઈ વાઘડિયાના પુત્ર રાજેશ તથા નાના ખીજડિયા ગામના નિવાસી ગોદાવરીબેન પ્રવીણભાઈ બારૈયાની પુત્રી રાધિકાના તારીખ 20 ઓક્ટોબરને રવિવારે ઘડિયા લગ્ન લેવાયા હતા. નજીકના પરિવારજનોની હાજરીમાં આ લગ્ન સંપન્ન થયા હતા. આ રીતે ઘડિયા લગ્નનું આયોજન કરીને બન્ને પરિવારોએ લગ્ન પાછળ, દેખાદેખીથી કરાતો લાખો રૂપિયાનો ખર્ચ ન કરતા સમાજને એક પ્રેરણાદાયી સંદેશ પૂરો પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઘડિયા લગ્નના ઉત્કૃષ્ઠ વિચારને મોરબી અપડેટ દ્વારા શરૂઆતથી જ પ્રોત્સાહન આપી આવા પ્રસંગોને બહોળી પ્રસિદ્ધિ આપી લોકોને આવા પ્રેરણાદાયી કર્યો માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.