ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટમાં રજુ કરાતા 2જી ઓગસ્ટ સુધી વધુ રિમાન્ડ મળ્યામોરબી : હળવદના વતની એવા ટ્રાન્સપોર્ટર યુવાનની સસ્પેન્સ થ્રિલર ફિલ્મને પણ ટક્કર મારે તેવો પ્લોટ ઉભો કરી ગળેટૂંપો આપી હત્યા કરી નાખનાર શાતીર દિમાગ ધરાવતા અપરાધીના ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તપાસનીશ પોલીસે મંગળવારે વધુ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે વધુ ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ હળવદના સરા રોડ ઉપર રહેતા જીતેન્દ્રભાઈ રમેશભાઈ કૈલા ગત તા.25 જુનથી લાપતા બનતા તેમના ભાઈ શૈલેષભાઇ રમેશભાઈ કૈલાએ પોતાના નાનાભાઈ અને આરોપી જીતેન્દ્ર આયદાનભાઈ ગજિયા રહે.વાવડી રોડ મોરબી વાળાની ઓફિસે ગયા બાદ લાપતા બન્યા અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ સિલસીલાબંધ વિગતો સાથે ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસમાં ચોંકવનારી હકીકત સામે આવી હતી અને પોલીસે પૂરતા પુરાવા એકત્રિત કરી આરોપી જીતેન્દ્ર આયદાન ગજિયાને દબોચી લઈ આગવી ઢબે પૂછતાછ કરતા ટ્રાન્સપોર્ટર જીતેન્દ્ર કૈલાની હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું.વધુમાં આ ચકચારી હત્યાના બનાવામાં પોલીસે મિત્રતાનો આંચળો ઓઢી મિત્રની જ હત્યા કરી બાદમાં લાશ ખેતરમાં દફનાવી દેનાર જીતેન્દ્ર ગજિયાને ચાર દિવસના રિમાન્ડ ઉપર લઈ હત્યાનો પર્દાફાશ કર્યા બાદ હજુ પણ તપાસના કામે આરોપીના રિમાન્ડ જરૂરી હોય મંગળવારે કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે આરોપી જીતેન્દ્ર ગજિયાને આગામી તા.2 સુધી પોલીસ રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હોવાનું તપાસનીશ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.