બેન્ક મેનેજર પાસેથી ખાતાધારકના નંબર મેળવી તેને ઘરે બોલાવીને ચા-પાણી પીવડાવી ચેક પરત સોંપ્યોમોરબી : ભલે પૈસા ન હોય, પણ અમારી ઈમાનદારી જ અમારૂ ગૌરવ અને અમારી મિલકત છે. આવા ઉંચા મૂલ્યોના માનવી એવા મોરબીના ગોસ્વામી સમાજના એક યુવક જે પેટિયું રોળવવા સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેને રસ્તેથી મળેલો રૂ.3 લાખનો ચેક મૂળ માલિકને પરત આપીને સમાજને પ્રામાણિકતાનો પરચો આપ્યો છે.અત્યારના હળાહળ કળયુગમાં જ્યારે પૈસા માટે એક ભાઈ તેના જ બીજા ભાઈને, એક પુત્ર તેના જ પિતાને દગો દેવામાં ખચકાતો નથી. આવા તો પૈસાના લાલચે કરાયેલા કૃત્યો છાશવારે પ્રકાશમાં આવી સમાજ ઉપર ધબ્બાની જેમ ચોંટી રહ્યા છે. પણ બીજી બાજુ અનેક એવા કિસ્સાઓ પણ આવે છે જે હજુ પણ સભ્ય સમાજ અસ્તિત્વમાં છે અને સત્ય હજુ જીવંત છે તેની પ્રતીતિ કરાવે છે. આવો જ એક કિસ્સો મોરબીમાં બન્યો છે.મોરબીમાં ધરમપુર રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા કમલેશપરી મોતીપરી ગોસ્વામી કે જેઓ મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળના ટ્રસ્ટી છે. તેઓને એક દુકાન પણ હતી. પણ તે બરાબર ચાલતી ન હોવાથી તેને બંધ કરી દીધી હતી. તેઓ છેલ્લા ઘણા સમયથી ફ્લોરા હોમ્સમાં રાત્રીના સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. હાલ તેઓની આર્થિક સ્થિતિ નબળી ભલે હોય પણ પ્રામાણિકતાનો ખજાનો કુબેરની માફક અખૂટ ભર્યો હોય તેમ તેઓને રસ્તેથી એક રૂ. 3 લાખનો સેલ્ફ ચેક મળતા જ તેઓ તુરંત બેન્કે આ ચેક જેનો હોય તેને પરત આપવાની લાગણી સાથે દોડી ગયા હતા. તેઓએ રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના મેનેજરનો સંપર્ક કરવા મેનેજરે તેનો ખાતાધારક સાથે સંપર્ક કરાવ્યો હતો. બાદમાં ખાતાધારક એવા ચેકના મૂળ માલિક મહેશભાઈ બારેજિયા (તિરુપતિ ફૂડ વાળા) તેઓના ઘરે આવ્યા હતા. જ્યાં ચા-પાણી પીને આ ચેક તેઓએ પરત મેળવ્યો હતો. ખોવાયેલ ચેક પરત મળતા તેઓએ કમલેશપરીનો આભાર માન્યો હતો. આમ કમલેશપરીએ પ્રામાણિકતાનું દ્રષ્ટાંત પૂરું પાડી સમાજ માટે મિશાલ કાયમ કરી છે.