તમામ લોકોમાં કોરોનાના કોઈ લક્ષણો ન દેખાતા ટેસ્ટ કર્યા વગર જ હોસ્પિટલમાંથી ઘરે રજા આપી દેવાઈ વાંકાનેર : કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનનો ભંગ કરીને જોખમી રીતે એમ્બ્યુલન્સની આડમાં અમદાવાદથી છ લોકો વાંકાનેર આવ્યા હોવાનું વાંકાનેર બાઉન્ડરી પાસે પોલીસ ચેકિંગમાં ખુલતાં આ તમામને વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ લોકો કોરોના સંક્રમિત છે કે કેમ તે માટે બે દિવસથી કોરોના ટેસ્ટ કરવાની વાત ચાલતી હતી.પણ આજે અચાનક ઉપરથી આદેશ આવતાં આ 6 લોકોના કોરોના ટેસ્ટ કર્યા વગર હોસ્પિટલમાંથી રજા આપીને તેમના ઘરે હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. વાંકાનેરની એક ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર સહિત છ લોકો અમદાવાદથી વાંકાનેર આવ્યા હતા. પોલીસની તપાસમાં એમ્બ્યુલન્સમાં રહેલા એક સ્થાનિક શખ્સના ચાર પરિવારજનો સહિત છ લોકો હોવાનું માલુમ પડ્યું હતું. જેમાં ચાર લોકો અમદાવાદના હતા. જોકે કોરોના કહેર વચ્ચે લોકડાઉનને કારણે તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટશન બંધ હોવા છતાં એમ્બ્યુલન્સની આડમાં અમદાવાદથી જોખમી રીતે મુસાફરોની હેરફેર કરી હોવાનું ખુલતાં વાંકાનેર પોલીસે ડ્રાઇવર સહિત છ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ઘરી હતી. આ તમામ લોકોને વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા હતા.બાદમાં તેઓના રિપોર્ટ કરાવવાની વાત ચાલતી હતી પણ આજે તંત્ર દ્વારા તેઓને હોસ્પિટલમાંથી રજા આપી હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.એટલે કે તમામ લોકોને પોતાના ઘરે જવા દેવામાં આવ્યા છે અને આગામી ૧૪ દિવસ સુધી ઘરની બહાર ન નીકળવા માટે તાકીદ કરવામાં આવી છે.અને આ પૈકિ કોઈપણ લોકોમાં કોરોનાના કોઇ લક્ષણ જોવા મળતા ન હોય તેથી કોરોનાનો ટેસ્ટ કરવામાં આવેલ નથી તેવું તંત્ર દ્વારા જણાવાયું છે. જોકે અમદાવાદથી આ લોકો આવેલ છે અને ગુજરાતમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. આ મામલે ડોકટરનું કહેવું એવું છે કે આ લોકો ક્રાઇટ એરિયામાં આવતા નથી એટલે કોરોના ટેસ્ટ કરવાની જરૂર રહેતી નથી અને ઉપરથી આ પ્રમાણે આદેશ આવતા છ લોકોને હોમ કવોરેન્ટાઇન કરાયા છે.