તહેવારોની શૃંખલા વચ્ચે શહેર -જિલ્લાના તમામ શિવ મંદિરોમાં રોશની અને શણગારની તડામાર તૈયારીમોરબી : આજે ગુરુવારથી પવિત્ર શ્રાવણ મહિનો જે પ્રારંભ થઈ ગયો છે. મોરબી શહેર-જિલ્લાના તમામ નાના-મોટા શિવાલયોમાં તહેવારોની શૃંખલા પૂર્વે જ વિશેષ સજાવટ અને રોશનીથી શણગારવામાં આવ્યા છે. પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની ભક્તિનો વિશેષ મહિમા હોય ભાવિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ બજારમાં પણ શ્રાવણ માસ પૂર્વે તેજીનો સંચાર જોવા મળ્યો છે.આજથી દરેક શિવાલયોમાં સવાર-સાંજ મહાઆરતી કરવામાં આવશે. શિવાલયોમાં ફૂલોના શણગાર સહિતના વિશેષ શણગાર કરાયા છે. હર હર મહાદેવના નાદથી તમામ શિવાલયો ગુંજી ઉઠયા છે. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે મોરબીના સામાકાંઠે આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિર, શોભેશ્વર રોડ પર આવેલું શોભેશ્વર મહાદેવ મંદિર, વાંકાનેરનું જડેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ પર આવેલું જડેશ્વર મહાદેવ મંદિર, ગ્રીન ચોક પાસે આવેલું કુબેરનાથ મહાદેવ મંદિર, મણિમંદિર સામે શંકર આશ્રમ પાસે આવેલું નીલકંઠ મહાદેવ મંદિર, શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ સત્યેશ્વર મહાદેવ મંદિર, લજાઈ પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિર, ભડિયાદ પાસે આવેલું જંગલેશ્વર મહાદેવ મંદિર બાપા સીતારામ ચોક પાસે આવેલું નરસિંહ ટેકરી મહાદેવ મંદિર સહિતના તમામ મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના શરૂ થઈ છે.મહત્વનું છે કે, દેવાધિદેવ મહાદેવજીની ભક્તિ માટે શ્રાવણ માસનું વિશેષ મહત્વ હોય શિવભક્તો દ્વારા દુગ્ધાભિષેક, રુદ્રાભિષેક, લઘુરુદ્ર તેમજ બિલ્વપત્ર અર્પણ કરવા અગાઉથી તૈયારીઓ કરી લેવામાં આવી છે.પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે બજારમાં પણ પૂજા સામગ્રી અને ફૂલ બજારમાં તેજી જોવા મળી રહી છે.આજે ગુરુવારથી શ્રાવણમાસનો પ્રારંભ થઇ રહ્યો હોય વહેલી સવારથી જ ભાવિક ભક્તો ભોળિયા નાથને મનાવવા યથાશક્તિ પૂજન અર્ચન અને મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યોમાં રત બન્યા છે.