મોરબીમાં શ્રમિકોનો હોળીનો તહેવાર પોતાના વતનમાં ઉજવવા માટે ભારે ધસારો : હોળી નિમિતે એસટી તંત્રએ દાહોદ બાજુ વધારાની બસો દોડાવી મોરબી : મોરબીમાં રહેતા દાહોદ બાજુના શ્રમિકો ખાસ કરીને હોળીનો તહેવાર પોતાના વતનમાં ઉજવવા જવા માટે ભારે ધસારો કર્યો છે. તેથી, મોરબી એસટી તંત્રએ દાહોદ, પંચમહાલ બાજુની ખાસ એસટી ટ્રીપો દોડાવી છે. મોટી સંખ્યામાં શ્રમિકો હોળીનો તહેવાર ઉજવવા પોતાના વતન જતા હોવાથી દાહોદ બાજુની એસટી બસો હાઉસફૂલ જોવા મળી છે. જેના લીધે તંત્રને તા. 2 થી 5 સુધી 1.92 લાખની વધારાની આવક થઈ છે. જરૂર પડ્યે હજુ વધારાની એસટી બસો દોડાવવાનો એસટી તંત્રએ નિર્દેશ આપ્યો છે. ગુજરાતના દાહોદ, પંચમહાલ, ગોધરા સહિતના સ્થળોમાંથી મોટી સંખ્યામાં વર્ષોથી મોરબી આસપાસના ખેતરોમાં ખેતમજૂરી કરીને પેટિયું રળતા હોય છે. આ શ્રમિકો મોટી સંખ્યામાં પરિવાર સાથે મોરબી આસપાસના ખેતરોમાં રહીને ખેતમજૂરી કરતા હોય છે. આ મજૂરો માટે હોળીનો તહેવાર દિવાળી જેવો મોટો અવસર હોય છે. આથી, આ લોકો વર્ષમાં એકવાર આવતો હોળીનો તહેવાર પોતાના વતનમાં ઉજવવા માટે જતા હોય છે. ત્યારે હોળીનો તહેવાર નજીક આવતા મોરબી આસપાસ રહેતા આ શ્રમિકો ભારે ઉલ્લાસ-ઉમંગ સાથે પોતાના વતન દાહોદ, ગોધરા, પંચમહાલ જવા માટે ધીરેધીરે રવાના થઈ રહ્યા છે. આ લોકો મોટી સંખ્યામાં એસટી મારફત જ પોતાના વતન જતા હોય તેથી મોરબી એસટી તંત્ર દ્વારા આ વધારાના હોળીના ટ્રાફિકને પહોંચી વળવા માટે ખાસ દાહોદ બાજુની એસટી બસો દોડાવી છે. જેમાં તા.2 માર્ચથી દાહોદ, પંચમહાલ, ગોધરા બાજુ એક્સ્ટ્રા બસો દોડાવી છે. તા. 2 થી 5 એમ ચાર દિવસ સુધી વધારાની બસો દોડવાના કારણે એસ.ટી.ને 1.92 લાખની વધારાની કમાણી થઇ છે. તા. 2ના રોજ એક બસ, તા. 3ના રોજ 3 બસ, તા.4 ના રોજ 3 બસ અને તા. 5 ના રોજ 4 બસ દાહોદ બાજુ દોડાવવામાં આવી હતી અને રૂટિન ફેરા કરતા દસ બાર વધારાના ફેરા કરવામાં આવે છે અને તા. 8 સુધી દાહોદ બાજુ વધારાની એસટી બસો દોડાવવામાં આવશે ત્યારે શ્રમિકોનો ભારે ધસારાથી આ એક્સ્ટ્રા બસો પણ ભરચકક જોવા મળે છે. એસટી બસોમાં ટ્રાફિક વધુ હોવાથી જરૂર પડ્યે હજુ વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે તેમ એસટી ડેપો મેનેજરે જણાવ્યું હતું.