અકસ્માત સર્જીને નાસી છૂટેલા કાર ચાલક સામે ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધાયો ટંકારા : ટંકારા નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે.જેમાં અજાણી કારે ડબલ સવાર બાઈકને હડફેટે લઈને નાસી છૂટ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા ટંકારા પોલીસે અજાણી કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના ઓટાળા ગામે રહેતા મણિલાલ દેવસીભાઇ દેસાઇ (ઉ.વ. ૫૩) એ પોતાના જી.જે.૩૬.કે.૬૮૪૯ નંબરના બાઇકમાં હેમતભાઇ લાધાભાઇ દેસાઇને પાછળ બેસાડીને ગઈકાલે તા.૧૯ના રોજ સવારના સાડા આઠેક વાગ્યાના સુમારે ઓટાળાથી ટંકારા જતા રોડ પર કાનારો હોકળા તરીકે ઓળખાતા પુલ પાસે રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા.ત્યારે પુરપાટ ઝડપે આવતા એક અજાણ્યો સફેદ કલરની સ્કોર્પીયો કારનો ચાલકે પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને ફરીયાદીના બાઈક નંબર જી.જે.૩૬.કે.૬૮૪૯ સાથે પાછળથી અથડાવી એકસીડન્ટ કરી ફરીયાદીને કેળના ભાગે ગંભીર ઇજા પહોચાડી તથા ફરીયાદીની પાછળ બેઠેલ હેમતભાઇ લાધાભાઇ દેસાઇને ગંભીર ઇજા કરી મોત નીપજાવી નાશી છૂટ્યો હતો.ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.