ખોડાપીપર ગામેથી રાત્રે પરત ફરી રહેલા બાઈક ચાલકને કાળ આંબી ગયો : એક ઇજાગ્રસ્ત ટંકારા : ટંકારા ધ્રોલ હાઇવે ઉપર સરાયા ગામ નજીક અજાણ્યા આઇસર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જી બાઈક ચાલકનું મૃત્યુ નિપજાવી નાસી છુટતા હિટ એન્ડ રનના આ બનાવ મામલે ફરિયાદ દાખલ થઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા આદમભાઇ જુસબભાઇ વિકીયા અને તેમના હરબટિયાળી ગામે રહેતા મિત્ર ચંદુભાઇ જીવણભાઇ પાલરીયા ગત તા.5 માર્ચના રોજ કામ સબબ પડધરી તાલુકા ખોડાપીપર ગામે ગયા હતા જ્યાંથી મોડી રાત્રે પરત ફરતી વેળાએ સરાયા નજીક મગફળીનો ભુક્કો ભરીને નીકળેલા અજાણ્યા આઇસર ચાલકે બન્નેને હડફેટે લીધા હતા. આ અકસ્માતના બનાવમાં ચંદુભાઇ જીવણભાઇ પાલરીયાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બાઈક પાછળ બેઠેલા આદમભાઇ જુસબભાઇ વિકીયાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે આદમભાઈની ફરિયાદને આધારે પોલીસે અજાણ્યા આઇસર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.