મોરબી : મોરબી હળવદ હાઇવે ઉપર રામકો વિલેજ સામે અજાણ્યા વાહને બાઈક સવાર વૃદ્ધને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. હિટ એન્ડ રનની આ ઘટનામાં અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી નાસી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુટુ ગામે પંચવટી સોસાયટીમાં રહેતા ગૌતમભાઈ ભગવાનજીભાઈ સધરાકીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત તા.13ના રોજ તેમના પિતાજી ભગવાનજીભાઈ ઉ.72, સાંજના સાડા પાંચેક વાગ્યે બાઈક લઈને મહેન્દ્રનગરથી ઘુટુ જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક નાસી જતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.