મેલડી માતાજીનું આખ્યાન જોવા જતા બન્ને યુવાનોને અજાણ્યા વાહને હડફેટે લેતા સર્જાયો અકસ્માત, તાલુકા પોલીસે ગુનો નોંધ્યોમોરબી: મોરબીમાં રવીરાજ ચોકડીથી બાયપાસ તરફ જતા હાઇવે રોડ પર પૃથ્વી સ્ટોન સામે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક સવાર બે યુવાનોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના કરુણ મોત નીપજ્યા છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો છે.આખ્યાન જોવા નીકળ્યા અને કાળ આંબી ગયોબનાવની વિગત મુજબ, લક્ષ્મીનગર ગામે રહેતા સાવનભાઈ ભરતભાઈ ડાભી (ઉ.વ. 21) એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તા. 18/08/2026 ના રોજ રાત્રિના આશરે 8:00 વાગ્યે તેમનો નાનો ભાઈ કરણભાઈ ભરતભાઈ ડાભી (ઉ.વ. 19) તથા તેનો મિત્ર વિપુલભાઈ મહેશભાઈ રાવળદેવ (ઉ.વ. 24, રહે. ભરતનગર, મૂળ રહે. કોંઢ, તા. ધ્રાંગધ્રા) હીરો હોન્ડા સ્પલેન્ડર મોટરસાયકલ નંબર GJ-36-BC-7566 લઈને મોરબી વેજીટેબલ રોડ પર મેલડી માતાજીનું આખ્યાન જોવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા.અજાણ્યા વાહને બાઈકને લીધું હડફેટેરાત્રિના આશરે 10:00 વાગ્યાના અરસામાં રોહિતભાઈએ કરણભાઈના મોબાઈલ પર ફોન કરતા કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન ઉપાડી જણાવ્યું હતું કે રવીરાજ ચોકડી નજીક પૃથ્વી સ્ટોન સામે આ બંને યુવાનોનું અકસ્માત થયું છે. જેથી પરિવારજનો તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાં જઈને જોતા કરણભાઈ તથા વિપુલભાઈ બંને રોડ પર લોહીલુહાણ અને બેભાન હાલતમાં પડ્યા હતા. પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાના વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી મોટરસાયકલને હડફેટે લઈ નાસી છૂટ્યો હતો.હોસ્પિટલમાં બંને યુવકોને મૃત જાહેર કરાયાઅકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંને યુવાનોને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસીને કરણભાઈ ડાભી અને વિપુલભાઈ રાવળદેવ બંનેને મૃત જાહેર કર્યા હતા. બંને મૃતદેહોનું પીએમ કરાવી અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસે અજાણ્યા ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરીઆ બનાવ અંગે સાવનભાઈ ડાભીની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે બી.એન.એસ. કલમ 281, 106(1) તથા મોટર વાહન અધિનિયમ કલમ 177, 184, 134 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પીએસઆઈ તનકુમાર હિંમતલાલ અંબારીયા ચલાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #RoadAccident #MorbiPolice #AccidentNews #CrimeNews #MorbiNews #GujaratNews