તા.11એ 13 યાત્રાળુઓ ઉત્તર ગુજરાતથી દ્વારકાની પગપાળા યાત્રાએ નીકળ્યા હતા : ધારાસભ્ય દુર્લભજીભાઈ હોસ્પિટલ પહોંચી મૃતદેહ વતન પહોંચાડવાની વ્યવસ્થા કરાવીમોરબી : માળિયા મિયાણાના પીપળીયા ચાર રસ્તા નજીક આજે વહેલી સવારે પદયાત્રીકોને એક અજાણ્યા ટ્રકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 પદયાત્રીકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ ચારેય પદયાત્રીઓ ઉત્તર ગુજરાતના દિયોદર અને કાકરેચ તાલુકાના હોવાનું જાણવા મળી રહ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ માળિયા મિયાણાના પીપળીયા જવાના રસ્તા નજીક શિવમ હોટલ પાસે આજે વહેલી સવારે 6:30 વાગ્યાના અરસામાં એક ટ્રક ચાલકે ઉત્તર ગુજરાતથી દ્વારકા તરફ જઈ રહેલા પદયાત્રીકોને હડફેટે લીધા હતા. જેમાં ઘટના સ્થળે જ 4 પદયાત્રીકોના મૃત્યુ થયા હતા. વધુમાં આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિને ઇજા પહોંચતા તેને મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કુલ 13 પદયાત્રીઓ 11 તારીખે અધગામથી પદયાત્રામાં નિકળા હતા. આ બધા પદયાત્રીઓ કૌટુંબિક ભાઈઓ તથા સગા હોવાનું જાણવા મળી રહ્યું છે.આ અકસ્માતમાં અમરાભાઈ લાલાભાઈ ચૌધરી (ઉ.વ. 60) અને ચૌધરી ભગવાનભાઈ લાલાભાઈ (ઉ.વ.65) બંને રહે. ગામ નવાગામ, તાલુકો દિયોદર તેમજ ચૌધરી હાર્દિક માળાભાઈ અને ચૌધરી દિલીપભાઈ રાયાભાઈ રહે. ગામ અધગામ, તાલુકો કાકરેચવાળાનું મોત નીપજ્યું હતું. જ્યારે નરસંગભાઈ સગથાભાઇ પટેલ ઉ.વ. 50 રહે. ગામ નવા દિયોદરને ઇજાઓ પહોંચી હતી. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ હોસ્પિટલે પહોંચી પીએમ ઝડપથી થાય અને તેમને તેમના વતન મૃતદેહ લઈ જવા માટે વ્યવસ્થા કરી આપી છે. નારણકા ગામના સુરેશભાઈ ગામીએ જણાવ્યું કે આ પદયાત્રીઓ દ્વારકા જતા હતા. નરસંગભાઈ સ્વાધ્યાય પરિવારમાં મારી સાથે સંપર્કમાં હતા. તેઓનો ફોન આવતા અમે કાર લઈને ગયા હતા. નરસંગભાઈ ઇજાગ્રસ્ત હોવાથી તુરંત તેમને લઈ ક્રિષ્ના હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યારે 108 મોડી પહોંચી હતી. હાલ નરસંગભાઈ ભયમુક્ત છે. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું કે ઉતર ગુજરાતથી યાત્રાળુઓ દ્વારકા જઈ રહ્યા હતા.જેમાં બે ટિમ હતી. એકમાં 5 યાત્રાળુ હતા. બીજામાં 8 યાત્રાળુ હતા. 8 યાત્રાળુઓનું ગ્રુપ આગળ હતું. ત્યારે પાંચ યાત્રાળુઓના ગ્રુપને કોઈ વાહને ટક્કર મારતા 4ના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે બીજા એક ઈજાગ્રસ્તને ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રોડ ઉપર બેફામ દોડતા વાહનો સામે નિયંત્રણ રહે તે માટે તંત્રને સૂચના આપીશું અને સરકારનું પણ ધ્યાન દોરવામાં આવશે.