નાયરા પેટ્રોલ પંપ સામે રસ્તાની સાઈડમાં ઉભેલા ટાઇલ્સ કારખાનાના કર્મચારીને કાળ ભેટ્યો: અજાણ્યા ચાલક સામે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલમોરબી અપડેટ : મોરબીના જેતપર રોડ પર પીપળી ગામની સીમમાં હિટ એન્ડ રનની એક ગંભીર ઘટના સામે આવી છે. નાયરા પેટ્રોલ પંપ સામે રસ્તાની સાઇડમાં ઉભેલા એક આધેડને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ મામલે મૃતકના પુત્રની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ટંકારાના અને હાલ મોરબીમાં કેનાલ રોડ પર શ્યામ પાર્ક સોસાયટીમાં આવેલ પાટીદાર પેલેસમાં રહેતા 31 વર્ષીય મિતભાઈ દિનેશચંદ્ર કાનાણીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મિતભાઈના પિતા દિનેશચંદ્ર કાનાણી જેતપર રોડ પર આવેલા ઈલોક્ષ ટાઈલ્સ કારખાનામાં પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા.ગત તારીખ 03/10/2026 ના રોજ રાતના પોણા આઠેક વાગ્યાના સુમારે દિનેશચંદ્ર અને તેમની સાથે કારખાનામાં કામ કરતા જતીનભાઈ શેરસીયા સ્પલેન્ડર મોટરસાયકલ (GJ-36-J-2949) લઈને કારખાનાના ઉપયોગ માટે હાર્ડવેરની વસ્તુ લેવા જઈ રહ્યા હતા. તે સમયે જેતપર રોડ પર પીપળી ગામ નજીક રામદેવ હોટલની બાજુમાં આવેલા નાયરા પેટ્રોલ પંપ સામે પહોંચતા તેઓએ પોતાનું બાઈક સાઈડમાં ઉભું રાખ્યું હતું. ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેદરકારીથી ચલાવીને મોટરસાયકલ નજીક ઉભેલા દિનેશચંદ્રને હડફેટે લીધા હતા.આ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા દિનેશચંદ્રનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. બનાવને પગલે મિતભાઈ કાનાણીની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ બી.એન.એસ. કલમ 281 અને 106(1) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 મુજબ ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં ફરાર આરોપીને ઝડપી લેવા પીએસઆઈ શિવાંગકુમાર હર્ષદભાઈ ભટ્ટ વધુ તપાસ ચલાવી રહ્યા છે.#Morbi #MorbiNews #HitAndRun #AccidentNews #JetparRoad #MorbiPolice #CrimeNews #MorbiUpdates