આજથી ગામની તમામ દુકાનોમાં બાળકોના આરોગ્યને નુકસાન પહોંચાડતી ચાવવાની વસ્તુઓ બંધ: 2006માં ગુટખાબંધી બાદ પાંચદ્વારકા ગામનો મક્કમ નિર્ધારવાંકાનેર (મોરબી અપડેટ) : વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે બાળકોના આરોગ્ય અને ભવિષ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતો એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. તા. 28/07/2026થી ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ સર્વાનુમતે નિર્ણય કરીને ગામની તમામ દુકાનોમાં પડીકાનો નાસ્તો જેમ કે ગોપાલ (બાલાજી), મીઠી સુપારી તેમજ બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી અન્ય ચાવવાની વસ્તુઓના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરી દીધો છે.બાળકોના સ્વસ્થ વિકાસ અને વ્યસનમુક્તિ તરફ મહત્વનું પગલુંપાંચદ્વારકા ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ એકસૂરે આ નિર્ણય લઈને ગામને વ્યસનમુક્ત અને આરોગ્યપ્રદ બનાવવાની દિશામાં મક્કમ કદમ ઉઠાવ્યું છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ નાના બાળકોને નશાકારક અને આરોગ્ય માટે હાનિકારક ચાવવાની વસ્તુઓથી દૂર રાખવાનો છે, જેથી તેમના શારીરિક અને માનસિક સ્વસ્થ વિકાસને પ્રોત્સાહન મળી રહે.2006માં પણ ગુટખા પર પ્રતિબંધ મૂકીને કરી હતી પહેલઅત્રે ઉલ્લેખનીય છે કે, પાંચદ્વારકા ગામ આ પ્રકારના સામાજિક સુધારા માટે અગાઉ પણ જાણીતું રહ્યું છે. વર્ષ 2006માં પણ આ જ ગામે ગુટખા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની પહેલ કરીને એક દાખલો બેસાડ્યો હતો. હવે 2026માં બાળકોના આરોગ્યની રક્ષા માટે આવો કડક નિર્ણય લઈને ગામે ફરી એકવાર પોતાની સામાજિક જાગરૂકતા સાબિત કરી છે.વાંકાનેર તાલુકાનું આવું પહેલું ગામ બન્યુંબાળકોના સ્વાસ્થ્યના હિતમાં આટલો મક્કમ અને કડક નિર્ણય લેનાર પાંચદ્વારકા વાંકાનેર તાલુકાનું પ્રથમ ગામ બન્યું છે. ગ્રામ પંચાયતના આ નિર્ણયને તમામ ગ્રામજનો તરફથી ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગ્રામજનોની આ સરાહનીય પહેલ આસપાસના અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.પાંચ દ્વારકા ગામના સરપંચ ઉસ્માનગનીભાઈ પરાસરાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગઈકાલે ગામની ગ્રામસભા મળી હતી. આ ગ્રામસભામાં ગામની દુકાનોમાં નુકસાનકારક પેકેટ ફૂડ અને મીઠી સોપારી નહીં વેચવામાં આવે તેવો નિર્ણય લેવાયો છે. ગામની આશરે 3500 જેટલી વસ્તી છે. ગામમાં આશરે 20-25 દુકાનો આવેલી છે. તમામ ગામ લોકો અને દુકાનદારોએ ગામના બાળકોના ભવિષ્ય માટે એકસૂરે આ નિર્ણય લીધો છે. દુકાનદારોએ પણ સ્વેચ્છાએ કહ્યું છે કે, બાળકોને નુકસાન કરતાં પેકેટ અને મીઠી સોપારી નહીં વેચીએ. જેમાં ખાસ કરીને મેંદામાંથી બનતી વસ્તુના પેકેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે વેફર, ફરાળી ચેવડો, મમરા જેવા પેકેટને વેચવાની પરવાનગી આપવામાં આવી છે. ખાસ કરીને બાળકોને નુકસાન કરતાં પેકેટ વેચવામાં નહીં આવે.#MorbiUpdate #Wankaner #PanchDwarka #GramPanchayat #ChildHealth #NoAddiction #MorbiNews #GujaratNews #Inspiration