સાંસદ, ધારાસભ્ય, મેયર સહિતનાએ નવા એરપોર્ટ પર મુંબઈની પ્રથમ ફલાઈટને લીલીઝંડી આપીરાજકોટ : રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે હીરાસરમાં રાજ્યનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ શરૂ થઈ ચૂક્યું છે. પ્રથમ ફ્લાઇટનું વોટર કેનાલથી સ્વાગત કરાયું હતું. તો નવા એરપોર્ટ પરથી ઉપડેલી પ્રથમ ફ્લાઈટમાં જતા મુસાફરોનું હાર પહેરાવી અને મોં મીઠા કરાવી સ્વાગત કરાયું હતું. હીરાસરમાં રૂ.1,405 કરોડના ખર્ચે તૈયાર થયેલું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવાઈ મુસાફરી માટે તો લાભદાયી બન્યું જ છે પરંતુ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના આર્થિક વિકાસને વેગ આપવા માટે પણ આ નવું એરપોર્ટ ખૂબ જ ઉપયોગી બનશે. આજે સવારે 8 વાગ્યે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર દિગંત બોરાહની સાથે સાંસદ રામ મોકરીયા, મોહન કુંડારિયા, ધારાસભ્ય રમેશ ટીલાળા તેમજ મેયર ડૉ. પ્રદીપ ડવ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને સૌ પ્રથમ 8.15 વાગ્યે મુંબઈ થી રાજકોટ ફ્લાઈટમાં પહોંચેલા મુસાફરો તેમજ રાજકોટ થી 8.45 વાગ્યે મુંબઈ જવા માટે રવાના થતા મુસાફરોનું હાર પહેરાવી સ્વાગત કરાયું હતું. નવા એરપોર્ટ પરથી દરરોજ રાજકોટ થી મુંબઈ, દિલ્હી, ઇન્દોર, ઉદયપુર અને ગોવા સહિતની ફ્લાઈટ ઉડાન કરશે. આવનારા સમયમાં રાજકોટના આ નવા એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ ઉડાન ભરે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ સાથે જ કાર્ગો ફેસિલિટીને કારણે રાજકોટ, મોરબી સહિત સૌરાષ્ટ્રના મોટા તેમજ લઘુ ઉદ્યોગકારોને દેશ વિદેશમાં બિઝનેસ કરવા માટે નવું એરપોર્ટ ખૂબ જ ઉપયોગી બનશે અને તેનાથી સૌરાષ્ટ્ર અને ગુજરાતની આર્થિક વૃદ્ધિને વેગ મળશે.