છેલ્લા 9 વર્ષથી રજૂઆતો છતાં નક્કર કાર્યવાહી ન થતાં રોષ: મહાનગરપાલિકાના અધિકારીઓની કામગીરી સામે ઉઠાવ્યા સવાલોમોરબી અપડેટ : મોરબી શહેરમાં રહેણાંક વિસ્તારો, જાહેર જગ્યાઓ અને ધાર્મિક સ્થળો પાસે ધમધમતા ગેરકાયદેસર કતલખાના અને ઈંડા-નોનવેજની લારીઓ બંધ કરાવવા અંગે હિન્દુ સંગઠનો દ્વારા મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યોગ્ય કાર્યવાહી ન થતાં આગેવાનો મહાપાલિકા કચેરીએ જ ધરણા પર બેસી અને ધૂન બોલાવા લાગ્યા હતા.હિન્દુ સંગઠનના આગેવાન કમલેશભાઈ બોરીચાએ જણાવ્યું હતું કે, રહેણાંક વિસ્તારોમાં ચાલતા ગેરકાયદે કતલખાના મુદ્દે સ્થાનિકો દ્વારા છેલ્લા 9 વર્ષથી અને સંગઠન દ્વારા છેલ્લા 2 વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે. આ અંગે 1 મહિના અગાઉ પણ તંત્રને રજૂઆત કરાઈ હતી. જે બાદ માત્ર કાગળ પર આશ્વાસન આપી નોટિસો ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું, આમ છતાં ગ્રાઉન્ડ લેવલ પર કોઈ જ નક્કર કામગીરી થઈ નથી અને મોરબીના અનેક વિસ્તારોમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલુ છે.આગેવાને પ્રશાસન પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, અધિકારીઓને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવે તો તેઓ માત્ર ફોન કરીને લારીઓ બંધ કરાવી દેવાનું કહે છે. પાલિકાના કેટલાક અધિકારીઓ અને ફૂડ-સેનિટેશન વિભાગના કર્મચારીઓ ત્યાં ચેકિંગમાં જતા પણ ડરે છે અથવા તો મિલીભગત ચલાવી રહ્યા છે. અન્ય સામાન્ય રોજગાર મેળવતા નાના વેપારીઓની લારીઓ તંત્ર દ્વારા જપ્ત કરી લેવામાં આવે છે, પરંતુ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. જો તંત્ર પાસે વૈકલ્પિક જગ્યા હોય તો તે ફાળવવી જોઈએ, પરંતુ હાલ તો આ લારીઓ અને કતલખાના તાત્કાલિક બંધ કરાવવાની સંગઠનની માંગ છે.મહાનગરપાલિકાના અધિકારીઓની આ તાનાશાહી અને નિષ્ક્રિયતાને કારણે હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી હોવાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જ્યાં સુધી ગેરકાયદેસર કતલખાના અને નોનવેજની લારીઓ બંધ કરાવવા અંગે સંતોષકારક જવાબ અને નક્કર કાર્યવાહીનું આશ્વાસન નહીં મળે ત્યાં સુધી મહાપાલિકા કચેરી ખાતે જ ધરણા પર બેસી રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Protest #HinduSangathan #MorbiNagarPalika #GujaratNews