ઉપવાસ આંદોલનની મંજૂરી ન લીધી હોવાનું બહાનું આગળ ધરી પોલીસે આગેવાનોની અટક કરી : મંજૂરી વગર ચાલતા અન્ય કામો તંત્રને નથી દેખાતા, લોકોમાં આક્રોશ મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામા 135 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હોવા છતાં આ ગંભીર મામલે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારી વિરુદ્ધ ફરિયાદ નહિ નોંધાતા મોરબીમાં આજથી ઉપવાસ આંદોલન શરૂ કરનાર અગ્રણીઓ ઉપવાસ આંદોલન શરૂ કરે તે પહેલાં પોલીસે ઉપવાસ આંદોલનની મંજુરી નથી તેમ કહી આગેવાનોની અટકાયત કરીને ઝૂલતા પુલના પીડિતોના ન્યાય માટેનો અવાજ દબાવવાનો હિન અને અતિ નિંદનીય પ્રયાસ કરતા લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. મોરબીની ગોઝારી પુલ દુર્ઘટના મામલે અગ્રણી નિલેશ એરવાડિયાએ અગાઉ જિલ્લા પોલીસ વડાને લેખિત રજુઆત કરી જણાવ્યું હતું કે, મોરબીમાં 135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર ગોઝારી પુલ દુર્ઘટનામાં પોલીસે અને સરકારે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સહિતનાને છાવરીને તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. આ ઘટનામાં મોટા માથા સંડોવાયેલા હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી ન કરતા લોકોમાં ભારે આક્રોશ છે. નાની નાની માછલીઓને પકડી મોટા મગરમચ્છોને બચાવી લેવાની સરકાર અને પોલીસની મેલી મુરાદ હોવાના આક્ષેપ કરી નિલેશ એરવાડિયા સહિતની અગ્રણીઓ જ્યાં સુધી આવા તમામ જવાબદારો સામે ફરિયાદ ન નોંધાઈ ત્યાં સુધી ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરી હતી. દરમિયાન આજે નિલેશભાઈ સહિતની અગ્રણીઓ મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે ઉપવાસી છાવણી નાખીને આંદોલન શરૂ કરવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે પોલીસે તુરંત જ પહોંચીને આ ઉપવાસ આંદોલન શરૂ કરે તે પહેલાં નિલેશભાઈ એરવાડિયા અને કેલ્વિન પટેલ સહિતના અગ્રણીઓની અટકાયત કરી પોલીસે સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. જો કે પોલીસની આ કાર્યવાહીથી લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. મોરબીનાં સ્થાનિક તંત્ર દ્વારા ઝૂલતા પુલના પીડિતોના ન્યાય માટે બિન રાજકીય ઉપવાસ આંદોલન સામેની કાર્યવાહી અતિ નિંદનીય ગણાવી મોરબીમાં મંજુરી વગર ઘણા કામો થતા હોવાનું કહી લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.