વાવાઝોડું દીવથી 40 કિમી દૂર દરિયામાં ડિપ ડિપ્રેશન બની જશે : વરસાદની આગાહી યથાવત : નવલખી બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું મોરબી : મહા વાવાઝોડું રૂપી સંકટ થોડું હળવું થયા હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું છે. કારણકે આ વાવાઝોડું દિવથી 40 કિમિ દૂર પહોંચશે ત્યાં સુધીમાં નબળું પડી જવાનું છે. જો કે તેની અસરને પગલે વરસાદની આગાહી હજુ યથાવત રહી હોવાનું જાણવા મળ્યું છે. મહા વાવાઝોડાની સંભવિત અસરને પગલે મોરબી સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાઓ લેવામાં આવ્યા છે. જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાંથી તંત્ર દ્વારા અસરગ્રસ્ત થનાર લોકોની સ્થળાંતરની તૈયારી પણ કરી દેવામાં આવી છે. પરંતુ હવામાન વિભાગે આજે જાહેરાત કરી છે કે મહા વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે જ નહીં. કારણકે કાલ સવાર સુધીમાં તે ડિપ ડિપ્રેશન બની જવાનું છે.દિવથી 40 કિમિ દૂર અંતરે વાવાઝોડું નબળું પડી જવાનું છે. જેથી વાવાઝોડું દરિયાકાંઠા સુધી પહોંચવાનું જ નથી. પરંતુ વાવાઝોડાની અસર હજુ વર્તાવાની હોય વરસાદની આગાહી યથાવત રહી હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. વધુમાં મોરબી જિલ્લાના નવલખી બંદરે 2 નંબરનું સિગ્નલ હટાવીને 3 નંબરનું સિગ્નલ લગાવવામા આવ્યું છે. 3 નંબરનું સિગ્નલ દર્શાવે છે કે ડિપ્રેશનની અસર બંદર ઉપર થઈ શકે છે અને 40થી 50 કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મહા વાવાઝોડાં અંગેની 'મોરબી અપડેટ' સાથેની વાતચીતમાં જિલ્લા કલેક્ટર જે. બી.. પટેલે જણાવ્યું હતું કે જિલ્લામા તંત્ર સતર્ક છે. રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ કાર્યરત છે. જિલ્લાના 23 જેટલા ગામો સંભવિત અસરગ્રસ્ત જણાઈ રહ્યા છે.જેમાં માળિયાના 14, મોરબીના 4 અને હળવદના 4 ગામોનો સમાવેશ થાય છે. આ ગામોમાંથી જરૂર પડ્યે લોકોના સ્થળાંતરની પણ તૈયારી રાખવામાં આવી છે. હાલ તો વાવાઝોડું નબળું પડી રહ્યું હોવાનું જણાય આવે છે. તંત્ર દ્વારા હવામાન વિભાગના બુલેટિન ઉપર સતત વોચ રાખવામાં આવી રહી છે. વધુમાં જિલ્લા કલેક્ટરે ઉમેર્યું કે જિલ્લામા એનડીઆરએફના 21 જવાનોની ટિમ તૈનાત છે. એક સારા સમાચાર એ છે કે મોરબી જિલ્લામા 158 બોટ રજીસ્ટર થયેલ છે. જે તમામ ગઈકાલ સુધીમાં પરત આવી ચૂકી છે. મીઠું પકવતા અગરિયાઓને પણ સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. હાલ દરેક તાલુકા મથકે વર્ગ એકના અધિકારીની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. અંતમાં જિલ્લા કલેક્ટરે લોકોને ખોટી અફવા ઉપર ધ્યાન ન દેવાની અપીલ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી એસ. એમ ખટાણાએ 'મોરબી અપડેટ'સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સૂચનાથી દરિયાકાંઠાના ગામોના તલાટીઓ અને સરપંચોને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. જિલ્લા પંચાયતની આરોગ્ય, પશુ પાલન અને સિંચાઇની ટિમો પણ સજ્જ છે. વધુમાં આર એન્ડ બી દ્વારા 6 જેટલી રેસ્ક્યુ ટીમોને વિવિધ સ્થળોએ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે.