22 થી 26 મે સુધી મોરબી જિલ્લામાં 45 ડિગ્રી તાપમાન રહેવાની આગાહીમોરબી : મોરબી જિલ્લામાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યો હોય તેમ આકરો તાપ પડી રહ્યો છે. લોકો ગરમીમાં સેકાઈ રહ્યા છે. અસહ્ય ગરમીના કારણે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. ત્યારે આવતીકાલથી વધુ પાંચ દિવસ મોરબીમાં ગરમીનો આકરો રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડિયા દ્વારા તારીખ 22 મે થી 26 મે સુધી મોરબી જિલ્લામાં હવામાનને લઈને આગાહી કરી છે. જેમાં આવતીકાલે તારીખ 22 મે થી 26 મે સુધી મોરબી જિલ્લામાં 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જ્યારે લઘુતમ તાપમાન 24 ડિગ્રી જેટલું રહેવાનું અનુમાન છે. જ્યારે પવનની ગતિ 26 થી 36 કિમી પ્રતિ કલાક રહેવાનું અનુમાન છે. 22 થી 26 મે સુધી મહત્તમ ભેજનું પ્રમાણ 57-78 અને લઘુતમ ભેજનું પ્રમાણ 11-34 ટકા રહેવાનું અનુમાન છે.મોરબી જિલ્લામાં છેલ્લા અમુક દિવસોથી કાળજાળ ગરમી પડી રહી છે. દિવસ તો ઠીક પણ રાત્રીના પણ લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે. તેવામાં વધુ આગામી પાંચ દિવસ મોરબી જિલ્લામાં 45 ડિગ્રી તાપમાન સાથે આકરા તાપની આગાહી કરવામાં આવી છે. આ અઠવાડિયું લોકોએ ભારે ગરમી સામે જરૂરી કાળજી રાખવા તંત્રએ અપીલ કરી છે.શું કાળજી રાખવી ?ગરમ અને ભેજયુક્ત હવામાનની શક્યતા હોય આકરા તાપમાં બપોરના સમયે બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત ગરમીથી બચવા માટે પુષ્કળ પાણી પીવું, લસ્સી, છાશ, લીંબુ શરબત, મોસંબી તથા અન્ય ફળના જ્યુશ પીવા. હલકા સુતરાઉ કપડાં પહેરવા અને માથા પર સફેદ ટોપી પહેરવી. પશુઓને બપોરના સમયે વૃક્ષના છાયામાં અથવા શેડમાં રાખવા. દુધાળા પશુઓને ઠંડક આપવા પાણીનો છંટકાવ કરવો. ખોરાકમાં લીલા ચારાનું પ્રામણ વધારવું.