મોરબી : સમગ્ર મોરબી જિલ્લામાં સેવાભાવી લોકો તથા સંસ્થાઓ દ્વારા ગરીબો તથા જરૂરિયાતમંદ લોકોને વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં ભોજન, રાશન તથા માસ્ક વિતરણ સહિતની સેવાઓનો સમાવેશ થાય છે. આમ, કોરોના વાયરસને લીધે ઉભા થયેલા કપરા સંજોગોમાં સેવાભાવીઓએ અન્યોને સહાય કરી માનવતા મહેકાવી છે. મોરબીમાંથી વતન ફરી રહેલા શ્રમજીવીઓ માટે મોરબીના મકનસર ગામના સરપંચ તથા ગામલોકોએ નાસ્તા-પાણી અને જમવાની વ્યવસ્થા કરી આપી હતી. જેમાં ચોખા ઘીની સુખડી, ગરમાગરમ ગાંઠિયા-જલેબી, બિસ્કીટ, ચેવડો તેમજ પાણીની બોટલની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના માર્ગદર્શન હેઠળ મોરબીના યંગ મિત્રમંડળ દ્વારા પછાત વિસ્તારમાં જઈ 2000 જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેલડી ગૌશાળા ગુપ - ત્રાજપર મોરબી દ્વારા ઘુંટુ રોડ પર મજુરો, ઝૂપંડપટ્ટીમાં રહેતા લોકો તેમજ રાહદારીઓને ભોજન કરાવવામાં આવ્યું હતું. વધુમાં, ગરીબ લોકો માટે ખાવા-પીવાની તથા જીવન જરૂરિયાતની વસ્તુઓનું શૈલેષભાઇ બાવરવા, મહેશભાઈ સવસાણી, જયેશભાઇ કાલાવડીયા, ભાવેશ વસીયાણી, મિલન કાચરોલા, ધવલ સવસાણી, અનિલ મેવા, કમલેશભાઈ કણસાગર, આકાશ આઘરા દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. રામ રહિમ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોએ સિવીલ હોસ્પીટલમાં દર્દીઓ સાથે આવેલા લોકોને જમવાનુ આપ્યું હતું. તેમજ મોરબીના ખાટકી વાસમાં આવેલા ગુલામને હુસેની કમિટી દ્વારા બેઘર હોય એવા લોકોને રાશન કીટ અને ફૂડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તથા અજરામર એક્ટિવ એસોર્ટ - સિનિયર સિટીઝન ગ્રુપના સભ્યોએ ઘરે થેપલા, વઘારેલા મસાલા ભાત તથા છુંદાના અથાણાં સહિતના 151 ફૂડ પેકેટનું વિતરણ ગરીબોને કર્યું હતું. હળવદ સરા ચોકડી પાસે આવેલા ચંદ્ર પાર્ક સોસાયટીના રહીશો એ પોતાના ઘરે શાક અને રોટલી બનાવીને ગરીબો વહેંચી હતી. તેમજ જરૂરિયાત મુજબ ભોજન બનાવીને ગરીબોને પહોંચાડવામાં આવશે, તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ મોહંત કન્સલ્ટન્સી કંપની દ્વારા મોરબી પોલીસની સહાયતાથી 600 કિલોગ્રામ જેટલા રાશનનું ગરીબોને વિતરણ કરવામાં આવ્યું હતું. ટંકારા તાલુકાનાં સાવડી ગામનાં સેવાભાવી યુવાન જગદિશભાઈ મેરાએ દિવંગત પિતાશ્રી વિરજીભાઈ કલાભાઈ મેરાનાં સ્મરણાર્થે ગ્રામજનોના ઘરે-ઘરે જઈ તથા આદિવાસી ખેતમજૂરોને વાડીએ વાડીએ જઈને વિનામૂલ્યે માસ્કનું વિતરણ કર્યું હતું. આ રીતે તેઓએ મિત્રો સાથે 50,000 થી વધુનાં માસ્કનું સાવડી, જયનગર સહિત અન્ય ગામોમાં વિતરણ કર્યું હતું. આ ઉપરાંત, મોરબીના બેલા ખાતે રહેતા MG Microns(mineral) ના ભગીરથ વરમોરા તથા મેહુલ અઘારા એ રૂ. 10,000 મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવી કોરોના સામે રક્ષણ મેળવવા અનુદાન આપ્યું હતું. આમ, મોરબી સહીત વાંકાનેર, ટંકારા, હળવદ અને માળીયા (મી.)ના સેવાભાવી લોકો તથા સંસ્થાઓ દ્વારા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને, રસ્તે ચાલીને વતને પરત ફરતા શ્રમિકોને તથા દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓને ભોજન સહિતની સેવાના ઉમદા હેતુથી સરાહનીય કાર્યો કર્યા હતા.