150 રસ્તાની જરૂરિયાત સામે માત્ર 1 રસ્તો બન્યો, અધિકારીઓ અને મેયર સાંભળતા ન હોવાની રાવ, લોકોના રોષના કારણે વિસ્તારમાં જવામાં ડર લાગતો હોવાની કબૂલાતમોરબી : મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આવતા રણછોડનગર, લાયન્સ નગર અને વીસી પરા સહિતના વિસ્તારોમાં રોડ-રસ્તા અને ગંદકીના પ્રશ્ને ભાજપના જ કોર્પોરેટર સીતાબેન પરબતભાઈના પતિ પરબતભાઈ આહીરે તંત્ર સામે જાહેરમાં બળાપો ઠાલવ્યો છે. તેઓએ જણાવ્યું છે કે આ વિસ્તારોમાં નરક જેવી હાલત છે અને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.પરબતભાઈ આહીરે આક્રોશ સાથે જણાવ્યું હતું કે રણછોડનગરમાં 150 રસ્તાની જરૂરિયાત છે, જેની સામે માંડ 1 રસ્તો બન્યો છે. ગારો, કીચડ અને ગંદકીથી રસ્તાઓ ઉભરાઈ રહ્યા છે. રસ્તાઓ પર દબાણો થઈ ગયા છે અને વાહનો પણ નીકળી શકે તેવી સ્થિતિ નથી. આ વિસ્તારની શાંતિવન સહિતની શાળાઓમાં 500 થી 800 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેઓને આ મચ્છર અને ગંદકીના કારણે ભારે મુશ્કેલી પડે છે.છેલ્લા 2 થી 3 મહિનાથી લેખિત અને ઓનલાઈન ફરિયાદો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. રસ્તાઓ પર મોરમ નાખવા માટે એક પણ ટ્રેક્ટર ફાળવવામાં આવ્યું નથી. તેઓએ કમિશનર, ડેપ્યુટી કમિશનર સોની અને મેયર પર સીધા પ્રહારો કરતા કહ્યું હતું કે, કોઈ અધિકારીઓ સાંભળતા નથી અને ડેપ્યુટી કમિશનર સોની તો જાણે મુખ્યમંત્રી હોય તેવું વર્તન કરે છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયાને પણ રૂબરૂ રજૂઆત કરી હોવા છતાં માત્ર ઠરાવ થયા પછી કામ થશે તેવા જવાબો મળે છે.કોન્ટ્રાક્ટરો પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા તેમણે જણાવ્યું કે, નવો બનેલો કેનાલ રોડ 4000 મીટર લાંબો છે, જેમાં પહોળાઈ 2 મીટર ઓછી રખાઈ છે, એટલે કે 8000 મીટર રોડનું કામ ખાઈ જવામાં આવ્યું છે. આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી તેમનું પેમેન્ટ અટકાવવું જોઈએ અને જવાબદાર અધિકારીઓની મિલકત વેચીને પણ વસૂલાત થવી જોઈએ. છેલ્લે તેમણે જણાવ્યું હતું કે લોકોમાં એટલો આક્રોશ છે કે અત્યારે રણછોડનગરમાં જાય તો તેમનું મર્ડર થઈ જાય તેવો ડર છે. તેમણે લોકોને અપીલ કરી છે કે જાગૃત થઈને કમિશનરને રૂબરૂ ત્યાં બોલાવીને વાસ્તવિકતા બતાવે અને જ્યાં સુધી બોર્ડ ન લાગે ત્યાં સુધી રોડનું કામ શરૂ ન કરવા દે.#Morbi #MorbiUpdate #WardNumber2 #RanchhodNagar #MorbiCorporation #CivicIssues #MorbiNews #GujaratNews #PublicAnger