ખોદા પહાડ નિકલા ચુહા : શ્રમિકોને આવ્યાને એક મહિનો પણ પૂરો થયો ન હતો, તેને પગાર લઈ વતન પરત ચાલ્યું જવું હતું, પણ ઓડિશાનો કોન્ટ્રાકટર પોતાના વતન ગયો હોવાથી પગારમાં વિલંબ થયો હોવાનું ખુલ્યુંમોરબી : મોરબી નજીક સિરામિક એકમમાં ઝરખંડના 13 શ્રમિકોને બાકી પગાર ન ચૂકવીને ગોંધી રાખવામાં આવ્યા હોવાની ફરિયાદ છેક ઝારખંડના સીએમ સુધી પહોંચતા તંત્ર દોડતું થયુ હતું. તાલુકા પોલીસે પણ આ મામલે ઝુકાવ્યું હતું. જો કે બાદમાં આ બનાવમાં શ્રમિકોને ગોંધી રાખવામાં ન આવ્યા હોવાનું અને માત્ર વેતન ચુકવવામાં કોન્ટ્રાકટર દ્વારા વિલંબ થયો હોવાનું સામે આવ્યું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બેલા ગામ નજીક આવેલી એજીલીસ ફેકટરીમાં મૂળ ઝારખંડના સિંહભૂમ જિલ્લાના બોહારાગઢ અને આસપાસના ગામના 13 મજુર કામ કરતા હોય અને તેઓને નોકરી આપનાર વ્યક્તિ પગાર ન આપતા હોય તેમજ કારખાનામાં ગોંધી રાખ્યાની ફરિયાદ તેના ગામના સરપંચને કરી હતી. બાદમાં આ ફરિયાદ ત્યાંના પૂર્વ ધારાસભ્ય સુધી પહોંચી હતી. પૂર્વ ધારાસભ્યએ સમગ્ર બનાવ અંગે ટ્વીટ બનાવીને સીએમને ટેગ કરી હતી. બાદમાં સીએમ હેમંત સોરેને પણ આ ટ્વીટને રી ટ્વીટ કરી લગત વિભાગને કાર્યવાહીના આદેશ આપ્યા હતા.ઝારખંડની માઈગ્રેટ કન્ટ્રોલ ટીમે તુરંત હરકતમાં આવી મોરબી તંત્રનો સંપર્ક કર્યો હતો. જેને પગલે મોરબી તાલુકા પોલીસના સ્ટાફે એજીલીસ વિટ્રીફાઈડ ફેકટરીમાં પહોંચી તપાસ કરી હતી. પોલીસે સમગ્ર ઘટનામાં હસ્તક્ષેપ કરી તમામ મજુરના જે તે દિવસના મજુરીના પૈસા અને તેમના વતન જવાનું ભાડું મળી કુલ રૂ 68 હજાર જેવી રકમ સિરામિક એકમના માલિક પાસેથી અપાવી તેમના વતન રવાના કર્યા હતા. આ શ્રમિકો તેમના વતન પહોંચી પણ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈએ જણાવ્યું કે શ્રમિકોનો 10થી 15 દિવસનો પગાર બાકી હતો. કોન્ટ્રાકટર બીજા સ્ટેટનો હતો. તેને કામ આવી જતા તે પોતાના વતન ગયો હતો. તેને એવું કહ્યું હતું કે હું પગાર આવીને આપી દઈશ. શ્રમિકોએ સંબંધીએ ઝારખંડના પૂર્વ ધારાસભ્યને કહેતા મામલો ત્યાંના સીએમ સુધી પહોંચ્યો હતો. અમે તપાસ અર્થે ગયા ત્યારે 5 શ્રમિક તો સીસીટીવી હેઠળ જ કામ કરતા હતા. બીજા શ્રમિક નાઈટ ડ્યુટી પૂર્ણ કરી સુતા હતા. બધા શ્રમિકને એકત્ર કરીને પૂછપરછ કરી હતી. કોન્ટ્રાકટર સાથે વાત કરી હતી. બાદમાં પૈસાની ચુકવણી કરી ત્યાંના લેબર કમિશનર સાથે વિડીયો કોલમાં વાત કરાવી હતી. શ્રમિકોને કોઈએ ગોંધી રાખ્યા ન હતા.મોરબી જીલ્લા શ્રમ અધિકારી એમ.પી.જોષીએ જણાવ્યું કે આ તા.30 સપ્ટેમ્બરનો બનાવ હતો. આ શ્રમિકો સપ્ટેમ્બર મહિનામાં જ કામ કરવા આવ્યા હતા. અમને જાણ થતાં અમે તપાસમાં ગયા હતા. જે કોન્ટ્રાકટ શ્રમિકને લઈ આવ્યો હતો. તે પરિવારમાં કોઈ બીમાર પડ્યું એટલે તેના વતન ઓડિશા ચાલ્યો ગયો હતો. આ લોકો અહીં આવ્યા તેમને કામ ફાવ્યું નહિ એટલે તેઓ એમ કહેતા હતા કે અમને હિસાબ કરીને આપી દયો. કોન્ટ્રાકટરનું કહેવાનું એમ હતું કે હું તા.25 સપ્ટેમ્બરે આવીશ. પણ કોન્ટ્રાકટર ત્યારે આવ્યો નહિ. શ્રમિકોએ સગા સંબંધી મારફત ત્યાં ફરિયાદ કરાવી હતી. ગોંધી રાખ્યા એવો કોઈ બનાવ ન હતો. શ્રમિકોને પગાર લઈને જવું હતું પણ કોન્ટ્રાકટર હાજર ન હતો. હજુ શ્રમિકો આવ્યા તેને મહિનો પણ થયો ન હતો.