વીજળી પડવાથી 3, વૃક્ષ પડવાથી 4, દીવાલ તથા છાપરા પડવાથી 3, હોર્ડિંગ પડવાથી 2 અને વીજ શોક લાગવાથી 2 લોકોના મોત મોરબી : રાજ્યના અનેક વિસ્તારોમાં ગઈકાલથી ભારે પવન અને કમોસમી વરસાદ પડ્યો છે. જેના લીધે સર્જાયેલી અલગ અલગ દુર્ઘટનાઓમાં 14 લોકોના મોત નિપજ્યા હોવાનું રાજ્યના ડિઝાસ્ટર વિભાગે જાહેર કર્યું છે. જેમાં વીજળી પડવાથી 3, વૃક્ષ પડવાથી 4, દીવાલ તથા છાપરા પડવાથી 3, હોર્ડિંગ પડવાથી 2 અને વીજ શોક લાગવાથી 2 લોકોના મોત થયા છે.રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સોમવારે ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ગુજરાતની ફરતે 3 અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનના કારણે આગામી 11 મે સુધી રાજ્યમાં તોફાની વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બીજી તરફ આગામી 3 દિવસ રાજ્યના 75% થી વધુ વિસ્તારમાં એટલે કે સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આ દરમિયાન પ્રતિ કલાકે 50 થી 80 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાઇ શકે છે. મેઘગર્જના સાથે સવા 4 ઇંચ સુધીના ભારે વરસાદની શક્યતા છે. તેમજ 15 જિલ્લામાં કરા સાથેના વરસાદની શક્યતા છે. તોફાની વરસાદને લઇ રાજ્યમાં યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું છે. લગભગ સાર્વત્રિક વરસાદની સ્થિતિમાં આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી ઘટી શકે છે. જેને લઇ આ દરમિયાન આકરી ગરમીથી રાહત મળશે. પરંતુ ત્યારબાદ અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. બે દિવસમાં આ માવઠાને કારણે 14 લોકોના જીવ ગયા છે. જેની વિગત જોઈએ તો વીજળી પડવાથી વિરમગામમાં મંગાજીભાઈ કરમશીભાઈ ઠાકોર, ભિલોડામાં વિશાલકુમાર દીપકભાઈ ડામોર અને લાલજીભાઈ શંકરભાઈ ગેલોતનું મોત થયું છે. જ્યારે વૃક્ષ પડવાથી ખેડાના ઠાસરામાં કપિલાબેન કેસરીસિંહ ચાવડા, દેવગઢ બારીયામાં શકરાભાઈ શનાભાઈ પટેલ અને મંગિબેન લબડા, નડિયાદમાં મહેશભાઈ જુવાનસિંહ સોઢાનું મોત થયું છે. મકાન, દીવાલ અને છાપરા પડવાથી આણંદમાં કાળીબેન વસાવા, મેહમદાવાદમાં રણજીતસિંહ બુધાભાઈ બારૈયા અને વાલીબેન મોહનભાઇ ભરવાડનું મોત થયું છે. જ્યારે હોર્ડિંગ પડવાથી અમદાવાદના દસકોઈમાં હીમાંશુકુમાર રાજેન્દ્રભાઈ પરમાર, વડોદરામાં ગીરીશભાઈ ચૌરેનું મોત થયું છે. કરંટ લાગવાથી વડોદરામાં જયેશભાઇ મોરે તથા પર્વત ડાંગરનું મોત નીપજ્યું છે. વધુમાં આગામી સમયમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ તથા વાવાઝોડાની આગાહી ધ્યાને લઇ લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા તેમજ વરસાદ/વાવાઝોડાની પરિસ્થિતિમાં સલામત સ્થળે રહેવા સરકાર દ્વારા અપીલ કરાઈ છે. અનિવાર્ય સંજોગોમાં જરૂર જણાયે ડીસ્ટ્રીકટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-૧૦૭૭ તથા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-૧૦૭૦ પર સંપર્ક કરવા જણાવાયુ છે.