બન્ને બાજુએ બબ્બે કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી, મોરબી અને રાજકોટ વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાયો મોરબી : મોરબી રાજકોટ હાઇવે પર શનાળા નજીક રાજપર ચોકડી પાસે આજે ભારે ટ્રાફિકજામ થયો હતો. આ ટ્રાફિકજામને કારણે બન્ને બાજુએ બબ્બે કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી. મોરબી અને રાજકોટ વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાતા અસંખ્ય લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ રાજપર ચોકડી પાસે ટ્રાફિકજામ થયો હતો. જાણવા મળતી વિગતો મુજબ આજે મંગળવારના દિવસે મોરબીમાં અનેક જગ્યાએ રાંદલ માતાજીનો પ્રસંગ હોઈ લોકો રાંદલ માતાજીના પ્રસંગ માટે બહાર નીકળતા ટ્રાફિકજામ થયો હતો. ટ્રાફિકજામને કારણે વાહનોથી લાંબી લાઈનો લાગી હતી અને મોરબી અને રાજકોટ વચ્ચે અવર-જવરમાં ભારે અસર પડી હતી. મોરબી અને રાજકોટમાં વહેલી સવારે ઘણા લોકો નોકરી-કામધંધા અર્થે અપડાઉન કરતા હોવાથી આજે અનેક લોકો ટ્રાફીકજામમાં ફસાયા હતા. જો કે સવારના સમયે ટ્રાફિક પોલીસ કે બ્રિગેડના કર્મચારીઓ રોડ ઉપર આવ્યા ન હોય એકાદ કલાક જેટલા સમય સુધી ટ્રાફિકજામ થયા બાદ વાહન વ્યવહાર રાબેતા મુજબ ધમધમવા લાગ્યો હોવાનું જાણવા મળે છે.