ટ્રાફિક ક્લિયર કરવામાં પોલીસને પણ નાકે દમ આવી ગયો મોરબી : મોરબીમાં કોરોનાની બીજી લહેરમાં હવે પરિસ્થિતિ નોર્મલ થતા જનજીવન ભયમુક્ત બનીને રોજિંદા કામધંધે વળગ્યું છે. ત્યારે અગાઉ જેવો જ ટ્રાફિક થવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. આજે સવારથી શહેરના રાજમાર્ગો ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ટ્રાફિકજામમાં અનેક વાહનચાલકો ફસાયા હતા. ટ્રાફિકજામની પરિસ્થિતિ એટલી વિકટ હતી કે પોલીસને ટ્રાફિક ક્લિયર કરવામાં નાકે દમ આવી ગયો હતો. મોરબીમાં આજે સવારથી ટ્રાફિકજમની સમસ્યા સર્જાય હતી. જેમાં મોરબીના શનાળા રોડથી ગાંધીચોકથી સામાંકાંઠે તરફ જવાના માર્ગ ઉપર સવારે 8 થી 10 વાગ્યા સુધી વાહનનોની અતિશય ભીડ રહી હતી. વાહનોની અતિશય ભરમારને કારણે વનવે રોડ ઉપર વાહનોની બબ્બે લાઈનો કરવી પડી હતી. આ ટ્રાફિકજામમાં ફસાવવાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી અને ટ્રાફિક ક્લિયર કરવામાં પોલીસને પણ ખાસ્સી કસરત કરવી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે તમામ લોકો કામધંધે વળગી ગયા છે અને મોટાભાગના લોકો કામ ધંધે નીકળી પડતા હવે અગાઉ જેવો જ ભરચકક ટ્રાફિક દેખાયો છે. ત્યારે પોલીસ પણ ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બનાવે તેવી માંગ ઉઠી છે.