મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ પરનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાયું: સૌરાષ્ટ્ર પર ટ્રફ સક્રિય થતાં મોરબીમાં મેઘમહેરના એંધાણમોરબી: દક્ષિણ અને મધ્ય ભારત પર સક્રિય થયેલી મજબૂત હવામાન સિસ્ટમને કારણે આગામી કલાકોમાં ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધવાની પૂરેપૂરી શક્યતા છે. જાણીતા હવામાન નિષ્ણાત રમેશ બસિયા (નાના ખીજડીયા - ટંકારા)ના જણાવ્યા મુજબ, હાલમાં વિદર્ભ, ઉત્તર-પશ્ચિમ મહારાષ્ટ્ર અને તેને સંલગ્ન દક્ષિણ-મધ્ય પ્રદેશ પર એક મજબૂત ‘ડિપ્રેશન’ સર્જાયું છે, જેનું કેન્દ્ર નાગપુર આસપાસ નોંધાયું છે. આ સિસ્ટમને સંગત વરસાદી વાદળોનો જમાવડો પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાં જોવા મળી રહ્યો છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહી હોવાથી, 31 જુલાઈની મોડી સાંજ કે રાત સુધીમાં તેનું કેન્દ્ર પૂર્વ-મધ્ય ગુજરાત તથા દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશની સરહદ નજીક પહોંચવાની સંભાવના છે.સિસ્ટમ અતિ મજબૂત હોવાને કારણે આગળ વધવાની સાથે જ અરબી સમુદ્રથી સૌરાષ્ટ્ર સુધી એક મજબૂત ટ્રફ (વરસાદી પટ્ટો) સક્રિય થઈ રહ્યો છે. આ સિસ્ટમ અને ‘ઓફ-શોર ટ્રફ’ના સંયુક્ત પ્રભાવ હેઠળ મોરબી જિલ્લામાં આગામી 48 કલાક દરમિયાન ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદી માહોલ જામશે. વરસાદની સાથે સાથે જિલ્લામાં 40 થી 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવવાની અને ક્યાંક ભારે ગાજવીજ થવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.હવામાનની આ તીવ્ર સિસ્ટમને કારણે મોરબી જિલ્લાના પાંચેય તાલુકાઓ—ટંકારા, વાંકાનેર, હળવદ, મોરબી અને માળિયામાં મધ્યમથી ભારે અને અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. મોટાભાગના વિસ્તારોમાં 2 થી 4 ઇંચ અને નીચાણવાળા કે સક્રિય પટ્ટાઓમાં 6 ઇંચ સુધીનો વરસાદ પડે તેવા એંધાણ છે.ઉલ્લેખનીય છે કે, ચાલુ ચોમાસાની સિઝનમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતાનો માહોલ હતો. પરંતુ આગાહીમાં જણાવ્યા અનુસાર, આ ચોમાસાના નવા રાઉન્ડમાં ટંકારા તાલુકામાં ધમાકેદાર અને ખૂબ જ સારો વરસાદ પડશે, જેથી પંથકમાં સિઝનની વરસાદી ઘટ પૂરી થઈ જવાની આશા છે.#Morbi #MorbiUpdate #WeatherForecast #HeavyRain #GujaratWeather #Tankara #Wankaner #Halvad #Maliya #SaurashtraRain