મોરબી : ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે હવે કમોસમી વરસાદ એટલે કે 'માવઠા'ની આફત મંડરાઈ રહી છે. હવામાન નિષ્ણાત રમેશભાઈ બસિયા (નાના ખીજડીયા, ટંકારા) ની આગાહી મુજબ, આગામી ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરી દરમિયાન રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે.૨૮ ડિસેમ્બરની આસપાસ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં એક મધ્યમથી સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક દેશે. આ સિસ્ટમની અસરને કારણે ૩૧ ડિસેમ્બર આસપાસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરીએ હળવું માવઠું (Light Rain) થવાની શક્યતા છે. હાલમાં એક પછી એક (બેક ટુ બેક) વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે લઘુત્તમ તાપમાનમાં વધ-ઘટ જોવા મળશે. અત્યારે તાપમાન ૧૩°C થી ૧૫°C અને મહત્તમ ૩૦°C આસપાસ રહેવાની શક્યતા છે. આગાહી મુજબ, ૨૬ ડિસેમ્બરથી ૩૦ ડિસેમ્બર સુધી પવન મુખ્યત્વે ઉત્તર-પૂર્વ દિશાનો રહેશે. જોકે, ૩૧ તારીખે મજબૂત WD સિસ્ટમ સક્રિય થતા પવનની દિશામાં ફેરફાર થશે, જે રાજ્યમાં ભેજ લાવશે અને માવઠા માટે અનુકૂળ પરિસ્થિતિ ઉભી કરશે.