ડેમના હેઠવાસમાં આવતા 11 ગામોને એલર્ટ કરાયા : ડેમમાં આવક સતત ચાલુટંકારા : ટંકારાના ડેમી-2 ડેમ સાઈટ ઉપર એક જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ ડેમમાં ભારે આવકના પગલે ડેમ 80 ટકા ભરાતા જેથી હવે ગમે ત્યારે દરવાજા ખોલાશે. ડેમમાં પાણીની આવક સતત ચાલુ હોય હેઠવાસમાં આવતા 11 ગામોને એલર્ટ કરાયા છે.મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-2 સિંચાઈ યોજના હાલની સ્થીતીએ 80 % ભરાયેલ છે. હવે પછી ડેમમાં ઉપરવાસના પાણીની આવક થશે. તો ડેમનું કુલ લેવલ જાળવવા વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત જણાશે તો ડેમના દરવાજા ખોલવામાં આવશે. જળાશયની કુલ સપાટી 48 મી. છે. જયારે જળાશયની હાલની જળસપાટી 47.50 મી. છે. હાલ 26020 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. બપોરે 3:30 થી 4:30 દરમિયાન ડેમના વિસ્તારમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. નીચાણવાસમાં આવતા ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર, મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, કોયલી, ધુળકોટ, આમરણ, ડાયમંડનગર અને બેલા, જોડિયા તાલુકાના માવનુગામને એલર્ટ કરવામાં આવ્યા છે.